અખિલેશ યાદવ પોતાના પૈતૃક ગામમાં કરાવશે  કૃષ્ણની વિરાટ પ્રતિમાનું નિર્માણ…

india-news
|

August 13, 2020, 4:27 PM

| updated

August 13, 2020, 4:50 PM


Akhilesh Yadav builds a huge statue of Krishna.jpg

www.vyaapaarsamachar.com

લખનઉ : ભાજપે અયોધ્યામાં રામ મંદિરનું  ભૂમિપૂજન કર્યું તો સપાના અખિલેશ યાદવે બુધવારે જાહેર કર્યું કે હું ભગવાન કૃષ્ણની વિરાટ પ્રતિમાની સ્થાપના કરીશ. અત્યાર અગાઉ અખિલેશ યાદવ અને બસપાના માયાવતીએ બ્રાહ્મણ મતદારોને રીઝવવા પરશુરામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે અખિલેશે પરશુરામને બદલે ભગવાન કૃષ્ણ પર પસંદગી ઊતારી હતી.

બુધવારે જન્માષ્ટમી નિમિત્તે અખિલેશે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર રજૂ કરી હતી. આ તસવીરમાં એ પોતાની પત્ની ડિમ્પલ સાથે નજરે પડે છે અને આ બંને ભગવાન કૃષ્ણની એક વિરાટ મૂર્તિ નિહાળી રહ્યાં હોય એવું દ્રશ્ય છે. અખિલેશ પોતાના પૈતૃક ગામ સૈફઇમાં આ પ્રતિમા બનાવડાવી રહ્યા હતા. અખિલેશે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં લખ્યું. ‘ જય કાન્હા, જય કુંજબિહારી, જય નંદ દુલારે જય બનવારી, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સૌને અનંત શુભકામનાઓ…’

ભગવાન કૃષ્ણની એક વિરાટ મૂર્તિ 51 ફૂટ ઉંચી અને 60 ટન વજનવાળી છે. તેની કિમત આશરે રૂ. 6 કરોડ 32 લાખ છે. એવો દાવો કરવામાં આવે છે કે આ દેશની કૃષ્ણની સૌથી મોટી પ્રતિમા હશે. છેલ્લા 6 મહિનાથી તે ગુપ્ત રીતે બનાવવામાં આવી છે.

મૂર્તિ બનાવવા માટે 35 ટન તાંબુ અને 25 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે સ્ટીલને જાપાનથી મંગાવવામાં આવ્યું હતું. – કૃષ્ણના હાથમાં ચક્રનું વજન લગભગ 7 ટન છે. યુ.એસ. ના કલાકારે મૂર્તિ બનાવી : સ્ટેચ્યુ બનાવવા માટે યુ.એસ. થી કલાકારને બોલાવવામાં આવ્યા છે.  આ પ્રતિમા 15 જાન્યુઆરીએ સ્થાપિત કરવામાં આવશે. પરંતુ ઉદઘાટન શાળાના ચાલુ થયા બાદ કરવામાં આવશે.

રાજકીય નિરીક્ષકો માને છે કે રામ મંદિરનું ભૂમિ પૂજન થઇ ચૂક્યું હોવાથી 2022માં આવી રહેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એક જોરદાર મુદ્દો મળી ગયો હતો. એટલે અન્ય પક્ષોએ કંઇક ખાસ કરી બતાવવું પડે. પહેલાં માયાવતીની જેમ અખિલેશે પણ પરશુરામ મંદિરનો વિચાર રજૂ કર્યો હતો. પરંતુ અન્ય પક્ષોએ પરશુરામ મંદિરના મુદ્દાને આગળ કરતાં હવે અખિલેશે ગીતાકાર ભગવાન કૃષ્ણ પર પસંદગી ઊતારી હતી. યાદવો એટલે યદુવંશના વારસદારો એવું માનતા અખિલેશે ભગવાન કૃષ્ણની મૂર્તિ સૈફઇમાં સ્થાપવાની જાહેરાત કરી હતી.

છેલ્લા થોડા સમયથી યોગી સરકાર સામે બ્રાહ્મણોનો વિરોધ બોલકો થયો હતો એટલે ભાજપ સિવાયના પક્ષો બ્રાહ્મણ મતદારોને રીઝવવાના પ્લાન ઘડી રહ્યા હતા. પહેલાં કોંગ્રેસે અને પછી બસપાએ બ્રાહ્મણ મતદારોને રાજી કરવાની જાહેરાત કરી હતી. હવે સપાએ પોતાની વોટબેંક સુદ્રઢ કરવા ભગવાન કૃષ્ણનું પીતાંબર પકડ્યું હતું.

Web Title: Akhilesh Yadav builds a huge statue of Krishna