અમેરિકન ડોલરની નબળાઈ વચ્ચે વૈશ્વિક સોનું ફરી મક્કમ

commodity-news-india
|

July 29, 2020, 7:01 PM


Global gold price Strong amid weak US dollar.jpg

મુંબઇઃ ફેડરલ રિઝર્વની બેઠક બાદ અમેરિકામાં વ્યાજ દર અને નાણા પ્રવાહિતા અંગે ચેરમેન જેરોમ પોવેલ કેવું આંકલન કરે છે તેના ઉપર નજર અને સાવચેતી વચ્ચે સોના અને ચાંદીના ભાવ વધેલા જોવા મળ્યા છે.

મંગળવારે ભારે પ્રોફિટ બુકિંગ વચ્ચે ઓગસ્ટથી ખત્મ થઇ રહેલા અમેરિકન નાગરીકોના આર્થિક પેકેજ અંગે ટ્રમ્પ વહીવટી તંત્ર અને અન્ય રાજકીય પક્ષો વચ્ચે ચાલી રહેલી ચર્ચા અંતે તેના મતભેદથી સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે. જો આર્થિક પેકેજમાં વિલંબ થાય અથવા નાગરીકોને મળતી સહાયમાં ઘટાડો થાય તો આર્થિક મંદી વિકરાળ બની શકે છે. અત્યારે એવું લાગી રહ્યું છે કે શેરબજારની તેજી વચ્ચે સોનું ૨૦૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી તોડતા પહેલા થોડો સમય સાંકડી વધઘટ વચ્ચે રહી શકે છે. ડોલરમાં નબળાઈ પણ સોનાના ભાવને ટેકો આપી રહી છે.

વૈશ્વિક બજારમાં મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં વિક્રમી સપાટી જોવા મળ્યા પછી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સોનાનો વાયદો  ૧૯૭૪ ડોલર થયા પછી દિવસના અંતે ૧૯૪૪ની સપાટીએ બંધ આવ્યો હતો અને ચાંદી ૦.૭ ટકા ઘટીને બંધ આવી હતી. જોકે, આજે ફરી બન્ને ધાતુમાં તેજી જોવા મળી રહી છે.

ન્યુયોર્ક સત્રમાં કોમેકસ ખાતે સોનું ઓગસ્ટ વાયદો ૦.૫૬ ટકા કે ૧૦.૯૦ ડોલર વધી ૧૯૫૫.૫૦, ડિસેમ્બર વાયદો ૦.૫૨ ટકા કે ૧૦.૩૦ ડોલર વધી ૧૯૭૪.૨૦ અને હાજરમાં ૩.૩૩ ડોલર વધી ૧૯૬૧.૭૬ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદી સપ્ટેમ્બર વાયદો ૦.૪૯ ટકા કે ૧૨ સેન્ટ વધી ૨૪.૪૨ ડોલર અને હાજરના એક સેન્ટ ઘટી ૨૪.૩૯ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

Web Title: Global gold price Strong amid weak US dollar