અયોધ્યા : અષ્ટકોણીય અને નાગરશૈલીનું રામમંદિર બનાવાશે

india-news
|

August 05, 2020, 10:46 AM

| updated

August 05, 2020, 10:47 AM


3-Storey Structure with Nagara Style Architecture, This is What Ayodhya's Ram Temple Will Look Like.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : બુધવારનો સૂરજ ઐતિહાસિક ઘડીનો સાક્ષી બનશે. વાત એમ છે કે, આ દિવસે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. આ સમયે એક કુતુહુલતા થવી સ્વાભાવિક છે કે નવપ્રસ્તાવિત રામમંદિર કેવું હશે? અંદાજે ૬૭ એકર વિસ્તારમાં નવપ્રસ્તાવિત રામમંદિર એ અષ્ટકોણીય શિખરબંધી મંદિર હશે. આ મંદિર સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર મુજબ આકાર પામશે, જેમાં ક્યાંય લોખંડનો ઉપયોગ નહીં કરાય.

ગત વર્ષે ૯ નવેમ્બરે સુપ્રીમ કોર્ટના પાંચ જજની ખંડપીઠે અયોધ્યાની વિવાદિત રામજન્મભૂમિ પર રામમંદિર બનાવવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેના પગલે રામ મંદિર નિર્માણના શ્રી ગણેશ થઇ રહ્યા છે. શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસની ઉપસ્થિતિમાં અયોધ્યામાં થોડા દિવસ અગાઉ યોજાયેલી બેઠકમાં રામમંદિરની ડિઝાઇનમાં ફેરફાર અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા અને એ પછી હવે મંદિર નિર્માણનું કાર્ય પ્રારંભ થવા જઇ રહ્યું છે. 

પ્રભૂ શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે અમદાવાદના ટેમ્પલ આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ ૩૦ વર્ષ અગાઉ શિલ્પશાસ્ત્રો આધારિત ભગવાન રામના મંદિરની બ્લુ પ્રિન્ટ બનાવેલી. એ મુજબ અંદાજે ૨.૭૭ એકર વિસ્તારમાં ૨૭૦ ફૂટ લાંબુ, ૧૪૫ ફૂટ પહોળું, ૧૪૧ ફૂટ ઊંચું પૂર્વાભિમુખ રામ મંદિર બનાવવાની યોજના હતી. પરંતુ ભવિષ્યમાં મંદિરની ખ્યાતિ-યાત્રિકોના ધસારાની સંભાવના જોતાં મંદિરના પ્રસ્તાવિત નકશામાં થોડા ફેરફાર કરાયા છે.રામ મંદિરનો કેમ્પસ વિસ્તાર અંદાજે ૬૭ એકર છે. જેમાં અંદાજે અઢી એકરમાં ૩૬૦ ફૂટ લાંબુ-૨૩૫ ફૂટ પહોળું-૧૬૧ ફૂટ ઊંચું અષ્ટકોણીય અને નાગરશૈલીનું રામમંદિર બનશે. જેમાં ગૃહમંડપ, રંગમંડપ, નૃત્યમંડપ હશે. નવી ડિઝાઇનમાં બે મંડપ ઉમેરાયા છે હોવાથી વિવિધ શૈલીના કુલ પાંચ મંડપ બનશે. ૨૦ બાય ૨૦ ફૂટના ગર્ભગૃહમાં ભગવાન રામની બાળસ્વરૃપ પ્રતિમા હશે. ૩૬૬ કળાત્મક સ્તંભ હશે. શિખર પર ૩૫ ફૂટ ઊંચી ધજા મૂકાશે. ઉપરના માળે રામ દરબારમાં ભગવાન રામની વિશાળ પ્રતિમા તેમજ સીતા માતા, લક્ષ્મણ, હનુમાનજીની પ્રતિમા પણ હશે. 

તીર્થસ્થળમાં કુલ ૩.૫૦ લાખ ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ થશે. રામ મંદિર ફરતે રામનગરી અને ચાર દિશાના એક-એક  પ્રતિકાત્મક પૂર્વમાં ઓડિશાનું મંદિર, પશ્ચિમમાં રૃદ્ર મહાલય, ઉત્તરમાં બદરીનાથ, દક્ષિણમાં ગોપુરમ્શૈલીના પ્રવેશદ્વાર હશે. મંદિરના કળાત્મક સ્તંભ પર રામાયણ, મહાભારત, ગીતાના પ્રસંગચિત્રો આલેખવામાં આવશે. મંદિર પરિસરમાં લક્ષ્મણ, ભરત , સીતા, હનુમાન, ગણેશમંદિર હશે તેમજ રીસર્ચ સેન્ટર, પુસ્તકાલય-અતિથિગૃહ-ભોજનાલય બનશે. મંદિર રાજસ્થાનના બંસી પહાડપુરના ગુલાબી પથ્થરોમાંથી નિર્માણ પામશે.

Web Title: 3-Storey Structure with Nagara Style Architecture, This is What Ayodhya’s Ram Temple Will Look Like