ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ માટે બેંકો સિવાયના અન્ય વિકલ્પો શોધવા જરૂરી :દાસ
india-news
|
July 28, 2020, 12:27 PM
| updated
July 28, 2020, 12:29 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આર્થિક સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે અને તે યોગ્ય કાર્યવાહી કરવામાં અચકાશે નહીં તેવી ખાતરી આરબીઆઇ ગવર્નર શક્તિકાંતા દાસે ઉદ્યોગ જગતને આપી છે. તેમણે કોરોના મહામારીને કારણે ઘટેલા વિકાસ દરને વેગ આપવા માટે ઇન્ફાસ્ટ્રકચર સેક્ટરમાં રોકાણ વધારવા પર ભાર મૂક્યો હતો.
કન્ફડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી(સીઆઇઆઇ)ના સભ્યોને સંબોધતા દાસે જણાવ્યું હતું કે મેગા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ દ્વારા અર્થતંત્રને વેગ આપી શકાય તેમ છે. તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં ગોલ્ડન કવાડ્રિલેટરલ(સ્વર્ણિમ ચતુર્ભૂજ) પ્રોજેકટે અર્થતંત્રના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ખાનગી અને જાહેર બંને ક્ષેત્રએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે તેમ ઉમેર્યું હતું. તેઓએ આ માટે અન્ય વિકલ્પ શોધવાની પણ વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે 2030 સુધીમાં ઇન્ફાસ્ટ્રકચર સેક્ટરમાં ભારતને 4.5 ટ્રિલિયન ડોલરની જરૃર પડશે. વીજળી સેક્ટર અંગે દાસે જણાવ્યું હતું કે ભારત પાવર સરપ્લસ દેશ બની ગયો છે. ભારત હવે પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરે છે. માર્ચ ૨૦૧૫મા વીજળી ઉત્પન્ન કરવાની કુલ ક્ષમતામાં પુનઃપ્રાપ્ય ઉર્જાનો હિસ્સો 11.8 ટકા હતો તે હવે વધીને 23.4 ટકા થઇ ગયો છે.2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનો હિસ્સો વીજળીના કુલ ઉત્પાદનમાં 40 ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે. જેના કારણે કોલસાની આયાત ઘટશે. રોજગારીની તકોમાં વૃદ્ધિ થશે. રોકાણનો પ્રવાહ સતત જળવાઇ રહેશે.
આરબીઆઇ ગવર્નરે જણાવ્યું હતું કે છેલ્લા બેથી પણ વધુ દાયકાથી ઇન્ફરમેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી(આઇસીટી) ભારતની આર્થિક પ્રગતિનું એન્જિન છે.નાણાકીય વર્ષ 2019-20માં સોફ્ટવેરની નિકાસ 93 અબજ ડોલરની હતી જે ભારતની કુલ સર્વિસ નિકાસના 44 ટકા હતી. કૃષિ સેક્ટર અંગે આરબીઆઇ ગવર્નરે જણાવ્યું હતું કે 2019-20માં ભારતમાં અનાજનું કુલ ઉત્પાદન વિક્રમજનક 29.6 કરોડ ટન રહ્યું છે. જે વાર્ષિક સરેરાશ 3.6 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
Web Title: Not just banks, find other ways to finance infra, RBI guv tells India Inc