ઓટો સેક્ટરમાં મંદી યથાવત્, જુલાઇમાં પેસેન્જર વ્હિકલનું વેચાણ 4% ઘટ્યુઃ SIAM

મુંબઇઃ કોરોના મહામારી અને લોકડાઉનની માઠી અસરથી વાહન ઉદ્યોગને કમરતોડ ફટકો પડ્યો છે અને વેચાણ હજી પણ મંદ રહ્યુ છે. વાહન ઉત્પાદકોની સંખ્યા સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મન્યુફેક્ચર્સ (SIAM)ના નવીનત્તમ આંકડા મુજબ જુલાઇ મહિનામાં પેસેન્જર વાહનોનું વેચાણ વાર્ષિક તુલનાએ 3.86 ટકા ઘટીને 1.82,779 યુનિટ નોંધાયુ છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં

1,90,115 નંગ પેસેન્જર વ્હિકલ્સ વેચાયા હતા.

તેવી જ રીતે ટુ-વ્હિકલ્સનું વેચાણ પણ જુલાઇમાં 15.24 ટકા ઘટીને 12,81,354 નંગ નોંધાયુ છે. જ્યારે જુલાઇ 2019માં 15,11,717 નંગ દ્રિ-ચક્રી વાહનો વેચાયા હતા. આ દરમિયાન મોટરસાયકલનું વેચાણ 4.87 ટકા ઘટીને 8,88,520 નંગ થયુ છે. જુલાઇ 2019માં મોટરસાયકલનું વેચાણ 9,34,021 નંગ રહ્યુ હતુ. આવી રીતે સ્કૂટરનું વેચાણ 36.51 ટકાના જંગી ઘટાડા સાથે 3,34,288 નંગ નોંધાયુ છે. જ્યારે પાછલા વર્ષે સમાન મહિનામાં 5,26,504 નંગ સ્કુટરનું વેચાણ થયુ હતુ.

જુલાઇ મહિનામાં તમામ પ્રકારના વાહનોનું ઉત્પાદન વાર્ષિક તુલનાએ 29.36 ટકા ઘટીને 17,15,514 નંગ નોંધાયુ છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં 24,28,518 નંગ વાહનોનું ઉત્પાદન થયુ હતુ.

જૂનની તુલનાએ જુલાઇમાં વેચાણ એકંદરે સારું રહ્યુ…

SIAMના અધ્યક્ષ રાજન વઢેરાનું કહેવુ છે કે, કોરોના મહાનારીને પગલે છેલ્લા કેટલાંક મહિનાથી વાહનોનું વેચાણ સતત ઘટી રહ્યુ છે. અલબત હાલ પેસેન્જર અને દ્રિ-ચક્રી વાહનોનુ વેચાણ સુધારાના પંથે છે. પાછલા મહિનાની તુલનામાં પેસેન્જર અને દ્રિ-ચક્રી વાહનોનું વેચાણ ઘટ્યુ છે. તેમણે કહ્યુ કે, ઓગસ્ટ મહિના વેચાણના આંકડાથી જાણી શકાશે કે તે ટકાઉ માંગ અને માત્ર દબાયેલી માંગ નથી.

SIAMના એમડી રાજેશ મેનનું કહેવુ છે કે જુલાઇ મહિનાના વેચાણના આંકડા મહિનાની તુલનાએ સારા છે. જેનાથી વાહન ઉદ્યોગનો વિશ્વાસ મજબૂત થશે.

એપ્રિલથી જુલાઇમાં વાહનોનું ઉત્પાદન અને વેચાણ જંગી પ્રમાણમાં ઘટ્યુ…

એપ્રિલથી જુલાઇ દરમિયાન પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ 63 ટકા ઘટીને 336,513 નંગ અને ટુ-વ્હિલર્સનુ વેચાણ 60.54 ટકા ઘટીને 25,74,467 નંગ થયુ છે. જ્યારે આ સમયગાળામં તમામ પ્રકારના વાહનોનું ઉત્પાદન 66 ટકા ઘટીને 31,73,169 નંગ નોંધાયુ છે.

Web Title: Passenger Vehicle Sales down 4%, Two-Wheeler Sales Fall 15% In July: SIAM