કેરળમાં કોવિડ સેન્ટરમાં તૈનાત 900 ડૉક્ટરોનાં રાજીનામાં, દર્દીઓ ભગવાન ભરોસે…

india-news
|

September 02, 2020, 9:00 PM


Kerala 900 doctors from Covid Center resign over 35% reduction in salaries.jpg

www.vyaapaarsamachar.com

તિરુવનંતપુરમ: કોરોના રોગચાળાના આ સમયગાળામાં ડોકટરોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. રાજ્યોમાં ડોકટરોની અછત છે. આવી સ્થિતિમાં કેરળના 870 ડોકટરોએ રાજીનામાં ધરી દીધાં હતાં. આ ડોકટરો અહીં કોવિડ ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ સેન્ટર ખાતે તૈનાત હતા. તમામ તબીબોએ પગાર કાપના વિરોધમાં રાજીનામું આપી દીધું છે.

આ વખતે સરકારી મેડિકલ કોલેજોમાં 1,080 એમબીબીએસ વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેમને મેડિકલ કોલેજમાં અસ્થાયી રૂપે તબીબી ફરજ માટે પોસ્ટ કરાઈ હતી.

કેરળ જુનિયર ડૉક્ટર એસોસિયેશનના અધ્યક્ષ ડૉક્ટર ઉસ્માન હુસૈને કહ્યું કે અમને મહિને 42 હજાર રૂપિયાના પગારનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ પગાર આપવાનો આવ્યો ત્યારે રાજ્ય સરકારે કોઇ કારણ વિના રૂા. 8,400 કાપી લીધા હતા. એેને માટે કોઇ વાજબી કારણ આપવામાં આવ્યું નહોતું. સાથોસાથ ટીડીએસ અને ટેક્સ પણ કાપવામાં આવ્યો હતો. આમ અમને મહિને રૂા.27 હજાર ચૂકવાતા હતા.

એસોસિયેશને આ મુદ્દે રાજ્યના મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાનને પત્ર લખીને દરમિયાનગીરી કરવાની વિનંતી કરી હતી પરંતુ કોઇ પ્રતિભાવ મળ્યો નહોતો. હાલ કેરળમાં સક્રિય કોરોના કેસનો આંકડો 76 હજાર 524નો થયો હતો. એમાંથી 2111 પેશન્ટ સાજા થઇ જતાં એમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી  હતી. રાજ્યના આરોગ્ય પ્રધાન કેકે શૈલજાએ મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે હાલ રાજ્યમાં 19 હજાર 94 પેશન્ટો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બીજા એક લાખ 96 હજાર 582 લોકો ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ હતા. સંક્રમણના કિસ્સામાં 14 વ્યક્તિ વિદેશ થઈ આવી હતી અને 36 જણ અન્ય રાજ્યોમાંથી આવ્યા હતા. 1059 વ્યક્તિ પહેલેથી કોરોનાગ્રસ્ત હતી.

જો કે શૈલજાએ ડૉક્ટરોની ફરિયાદ અંગે એક અક્ષર પણ ઉચ્ચાર્યો નહોતો. 900 ડૉક્ટરો રાજીનામાં આપી ચૂક્યાં છે. આમ છતાં રાજ્ય સરકારના પેટનું પાણી હાલતું નથી.  રાજ્ય સરકારની આ ઉદાસીનતા ડૉક્ટરોને ખટકે છે કારણ કે ડૉક્ટરો પણ ચેપગ્રસ્ત થવાની પૂરી શક્યતા હોવા છતાં તેમની ફરિયાદનો કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.

Web Title: Kerala: 900 doctors of Kovid Center resign, not paid as promised