કૉરોનાથી દેશના વ્યાપારને ૧૫ લાખ કરોડનું નુક્સાન

vyaapaarsamachar.com

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિને પગલે માર્ચના અંતથી ચાલ્યા આવતા લોકડાઉનથી ભારતના નાના ઉદ્યોગો અને દુકાનકારોને ભારે નુકશાન વેઠવું પડ્યું છે. કોરોનાને કારણે છેલ્લા 100 દિવસોમાં દેશના રિટેલ વેપારને 15.5 લાખ કરોડનું નુકશાન થયું છે. જેથી દેશભરના વેપારીઓ અત્યંત પરેશાન છે. છેલ્લા 3 મહિનાથી વધુ સમયથી નાના લારી-ગલ્લા, દુકાનદારો, સીઝનલ ધંધો કરતા વેપારીઓને લોકડાઉનને પગલે ભારે નુકશાની થઈ છે.

દેશમાં કોરોના મહામારીને કારણે પાછલા 100 દિવસોમાં ભારતીય છૂટક વેપારને લગભગ 15.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે જેના પરિણામે સ્થાનિક વેપારમાં અનલોક -1 ના 45 દિવસ પછી પણ તેજી આવી નથી. દેશભરના વેપારીઓ ઓછા ગ્રાહકો, મજૂરોના સ્થળાંતર બાદ શ્રમિકોની અછત અને ઉચ્ચ નાણાભીડને કારણે ત્રસ્ત છે. ઉપરાંત તેમના માથે અનેક આર્થિક જવાબદારીઓ પણ પૂરી પાડવાની છે. આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારોની કોઈ ટેકાની નીતિ કે બીજું નિર્ણાયક પરિબળ નથી, જેને પગલે વેપારીઓ હવે ચોતરફથી પરેશાની અનુભવી રહ્યા છે.

દેશના ઘરેલુ વેપારની વર્તમાન પરિસ્થિતિનું વિશ્લેષણ કરતા બી.સી.ભારતીયા, રાષ્ટ્રીય અધ્યક્ષ અને કવિડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) ના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે આજે જણાવ્યું છે કે દેશનો સ્થાનિક વેપાર તેના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વર્તમાન સદીમાં આ પ્રતિબિંબિત કરે છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ભારતમાં આશરે 20% દુકાનોએ પોતાના શટર બંધ કરી દેવા પડશે.

ભારતીયા અને ખંડેલવાલે જણાવ્યું હતું કે એક અંદાજ મુજબ એપ્રિલમાં આશરે 5 લાખ કરોડ જેટલું વ્યાપારનું નુકસાન થયું હતું જ્યારે મે મહિનામાં તે આશરે 4.5 લાખ કરોડનું નુકશાન થયું હતું અને લોકડાઉન ખુલ્યા પછી પણ જૂન મહિનામાં આશરે 4 લાખ કરોડનું નુકશાન હતું અને જુલાઈના 15 દિવસમાં, વ્યવસાયોનું નુકસાન લગભગ 2.5 લાખ કરોડ જેટલું થયું હતું. કોરોનાના ભયને કારણે લોકો સ્થાનિક બજારોની મુલાકાત લેતા નહોતા. ઉપરાંત લોકડાઉન દરમિયાન બીજી બાજુ આંતર-શહેર અથવા આંતર-રાજ્ય પરિવહનની ઉપલબ્ધતામાં ઘણી અડચણોને કારણે માલ આવ્યો નહોતો.

તેમણે જણાવ્યું કે, વેપારીઓ લોકડાઉનના નિયમોને અનુસરીને સામાન્ય સમ કરતા ઓછા કલાકો દુકાનો ચાલુ રાખી શકે છે. આમ, સામાન્ય રીતે વેપારીઓને દરરોજ સાંજના પાંચ વાગ્યા પછી તેમનો ધંધો આટોપી લેવાની ફરજ પડે છે. આ તમામ કારણોને લીધે દેશભરના વ્યાપારી બજારો ઉજ્જડ થઈ ગયા છે. કોરોના અનલોક સમયગાળા પછી અત્યાર સુધીમાં માત્ર 10% ગ્રાહકોનો જ આવતા હોવાથી ધંધાને મળતી આવક અને ટર્નઓવર બહોળો પ્રભાવ પડ્યો છે.

ભારતીયા અને ખંડેલવાલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારો દ્વારા તેમને હજી સુધી કોઈ ઉત્તેજના પેકેજ આપવામાં આવ્યું નથી તે કારણે વેપારીઓ હતાશ છે. આ નિર્ણાયક સમયે, વેપારીઓની હેન્ડહોલ્ડિંગ એ વધુ જરૂરી છે. વેપારીઓને બિઝનેસ લોન આપવા માટે નાણાકીય પદ્ધતિની રચના કરવાની જરૂર છે. આ સિવાય તેમના બાકી વેરા, જીએસટી ચૂકવણીમાં છુટછાટ અને બેન્ક લોનના ઈએમઆઈની ચૂકવણીમાં વધારાના વ્યાજ અને દંડ માફ કરવાની જરૂર છે. વેપારીઓના હાથમાં રોકડ પ્રવાહિતા પૂરી પાડવા માટે અન્ય ઘણા પગલાઓ લેવાની જરૂર છે જેથી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ શકે.

આ બાબતે સૌથી ખરાબ વસ્તુ એ છે કે ડિસેમ્બરથી માર્ચ મહિનામાં પૂરા પાડવામાં આવતા માલની ચુકવણી પરસ્પર સહમત ક્રેડિટ અવધિ અનુસાર માર્ચ મહિનામાં થઈ જવી જોઈએ તે અત્યાર સુધી નથી થઈ શક્યું અને આશા એવી પણ વ્યક્ત કરાઈ રહી ચે કે આગામી સપ્ટેમ્બર મહિનામાં આની ચૂકવણી થવાની સંભાવના છે. ત્યારે બેન્કો પાસેથી સરળ શરતો અને ઓછા દરે વેપારોને સહાયતા મળે તેની જરૂર છે. આવી સ્થિતિમાં અર્થશાસ્ત્રનો સિદ્ધાંત કહે ચે કે, જ્યારે ઈનપુટ ઓછું હોય છે અને આઉટપુટ વધુ હોય છે ત્યારે વેપાર ગતિથી નીચે આવી જાય છે અને લોકો પોતાની મૂડી વાપરવાનું શરૂ કરી દે છે , જે કોઈ સારા સંકેત નથી. આ દ્રષ્ટિએ સરકારો દ્વારા વેપારીઓના મુદ્દાને ઉકેલવો આવશ્યક છે.

લોકડાઉન ખુલ્યા બાદ પણ એટલી ઘરાકી નથી જોવા મળતી. લોકડાઉનને પગલે માલની અવર-જવર બંધ હતી તમામ વસ્તુ ઉંચા ભાવે ખરીદવી પડતી હતી. સામાન્ય લોકો માટે આવકના સ્ત્રોત સિમિત થઈ ગયા હોવાથી લોકો હવે વધુ ખરીદી કરતા નથી.  કેન્દ્ર સરકારની નાના વેપારીઓને ઓછા વ્યાજદરે લોન આપવાની યોજનાના શરતો અને નિયમો અનેક વેપારીઓ અટવાયા છે. ઉપરાંત અનલોક થયા બાદ પણ વધતા જતા કેસને પગલે છાશવારે પાનના ગલ્લા બંધ થવા અને દુકાનો ખોલવા પર નિયંત્રણ લાગી જાય છે. પરિસ્થિતિનું કઈ નક્કી નથી, જો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવી જાય તો તરત જ દુકાનો, વેપાર-ધંધા બંધ કરી દેવા પડે છે. આમ, આવકની અનિશ્વિતતા અને નહિંવત આવકથી દેશનો વેપારી મુંઝવણમાં મુકાયો છે.

Web Title: 12 lakh crore loss to the country’s retail trade due to corona pandemic