કોરોનાથી હીરા ઉદ્યોગને લાગ્યુ ગ્રહણ, જૂન ક્વાર્ટરમાં વેચાણ 94% ઘટ્યુ

world-news
|

July 17, 2020, 7:50 PM

| updated

July 17, 2020, 7:51 PM


Shining down of diamond industry due to COVID-19, Sales fell 94% in June quarter.jpg

મુંબઇઃ કોરોના મહામારી અને તેના કારણે લોકડાઉનની અસર જેમ ઘરેણાના વેચાણ ઉપર જોવા મળી રહી છે તેનાથી વધારે તીવ્ર રીતે તેની અસર હીરાની બજારમાં જોવા મળી રહી છે. વિશ્વના ટોચના ડાયમંડ ઉત્પાદકો ડી બીયર્સ અને રશિયાની અલરોસા પીઆઈએસસી એપ્રિલથી જુન દરમિયાન લગભગ નહી જેવા રફ ડાયમંડનું વેચાણ કર્યું છે. એપ્રિલ – જુન ૨૦૧૯ દરમિયાન વેચાણ ૨.૧ અબજ ડોલરનું હતું જે આ વર્ષે માત્ર ૧૩ કરોડ ડોલરનું થયું છે. એટલે કે ૯૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

મહામારીના કારણે ડાયમંડની બજાર અટકી પડી છે. જ્વેલરીના શો રૂમ બંધ હતા, કટર અને પોલિશિંગ એકમો બંધ હતા, વૈશ્વિક રીતે પ્રવાસ બંધ છે અને તેના કારણે ઉદ્યોગ પડી ભાંગ્યો છે. આ સ્થિતિમાં મોટા ઉત્પાદકોએ ભાવ નહી ઘટાડવાનું નક્કી કરી બજારમાં ટકી રહેવાનું પગલું ભર્યું છે.

ઉત્પાદન ઘટાડી હાથ ઉપરનો સ્ટોક કાબુમાં લેવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે પણ બજારો બિલકુલ બંધ હોવાથી સ્ટોક વધી રહ્યો છે. રફ ડાયમંડના વેચાણ માટેના નિયમોમાં ફરજીયાત ફેરફાર કરવાની ફરજ પડી છે. ડી બીયર્સ અને અલરોસાએ ખરીદનાર લોકો પોતાની રીતે કોઇપણ જગ્યાએ હીરો જોઈ શકે એવી વ્યવસ્થા કરવાની ફરજ પડી છે અત્યારસુધી ઓકશન પહેલા કોઈ ચોક્કસ સ્થળે કંપનીની નિયત જગ્યાએ જ હીરાનું પ્રદર્શન અને નિરીક્ષણ કરવા મળતું હતું.

ડી બીયર્સ આ વશે ૨.૫ કરોડથી ૨.૭ કરોડ કેરેટ ડાયમંડનું ઉત્પાદન કરશે જયારે અલરોસા ૨.૮ કરોડથી ૩.૧ કરોડ કેરેટનું ઉત્પાદન કરવાનું વિચારી રહ્યું છે. અલરોસા પાસે હાલ હાથ ઉપર તો ૨.૬૩ કરોડ કેરેટનો સ્ટોક પણ પડેલો છે.

પથમ છ મહિનામાં કોરોના મહામારીના કારણે વેચાણ ઉપર અસર પડી છે અને આગામી છ મહિના પણ પડકારજનક રહે તેવી શક્યતા છે. અમેરિકા ૫૦ ટકા ડાયમંડનું વેચાણ ધરાવે છે. ભારતના સુરતમાં વિશ્વના ૯૦ ટકા રફ ડાયમંડનું પોલિશિંગ થાય છે. અમેરિકા અને સુરત બન્નેમાં અત્યારે કોરોનાની ભારે અસર જોવા મળી રહી છે. બન્ને સ્થળે કોરોનાના કેસ વધી રહ્યા છે અને નવા લોકડાઉનના નિયમો અમલમાં આવી રહ્યા છે. એવી ધારણા છે કે ડાયમંડ બજારમાં માંગ હવે વર્ષના અંત સુધી પરત આવશે નહી.

કટ પોલીશ્ડ ડાયમંડમાં ભારતની નિકાસ અર્ધી થઇ ગઈ

ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ જૂનમાં પુરા થયેલા ક્વાર્ટરમાં ૫૫ ટકા ઘટી માત્ર ૨.૭૫ અબજ ડોલર રહી છે. આવી જ રીતે કટ અને પોલીશ્ડ ડાયમંડની નિકાસ પણ ૫૦ ટકા ઘટી માત્ર ૧.૮ અબજ ડોલર રહી હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું. ભારતમાં અત્યારે ઉત્પાદન માત્ર ૧૦ કે ૨૦ ટકા કામદારોથી થઇ રહ્યું છે અને માંગ નહી હોવાથી ઉત્પાદન વધારવા કોઈ રસ જોવા મળી રહ્યો નથી.

Web Title: Shining down of diamond industry due to COVID-19, Sales fell 94% in June quarter