કોરોના ઇફેક્ટ : ભારતીય કંપનીઓએ હવે વિદેશમાંથી નાણાં ઊભા કરવાનું એ લોઢાના ખાવા જેટલુ મુશ્કેલ

download (2).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : કોરોના પહેલાના સમયમાં વિદેશમાંથી કરોડો ડોલર ઊભા કરી શકેલી ભારતીય કંપનીઓ માટે સ્થિતિ બદલાઈ ગયાનું જોવા મળે છે.  કોવિડ-૧૯ મહામારીને પરિણામે વિદેશમાંથી નાણાં ઊભા કરવાનું કંપનીઓ માટે મુશકેલ બની ગયું છે.

૨૦૨૦ના અત્યારસુધીના ગાળામાં ભારતીય કંપનીઓએ વિદેશમાંથી ઊભા કરેલા ભંડોળનો આંક ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ૩૫ ટકા ઓછો છે. કેટલીક કંપનીઓના ડિફોલ્ટના અહેવાલ વચ્ચે વિદેશના રોકાણકારોનું માનસ ખરડાયું છે.

ઊંચા વ્યાજ દર ઊભા કરાતા હોવા છતાં રોકાણકારો નાણાં ઠાલવી નહીં રહ્યાનું જોવા મળે છે.  આર્થિક મંદી વચ્ચે રોકાણકારોને તેમના નાણાંની સલામતિની ચિતા રહ્યા કરે છે. બીજી બાજુ ભારતીય કંપનીઓ પણ હાલમાં વિસ્તરણ યોજના ધરાવતી નથી તેને કારણે પણ નાણાં ઊભા કરવાની માત્રામાં ઘટાડો જોવા મળ્યો છે.

વર્તમાન વર્ષના ૧૨ ઓગસ્ટ સુધીમાં ભારતીય કંપનીઓએ ૯.૧૦ અબજ ડોલર ઊભા કર્યા હતા જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૧૪ અબજ ડોલર ઊભા કરાયા હતા. ૨૦૧૮માં વિદેશમાંથી ભંડોળ ઊભું કરાયેલી રકમનો આંક ૧૫.૬૦ અબજ ડોલર રહ્યો હતો. 

ભારતની કેટલીક કંપનીઓ દ્વારા વિદેશમાં ડિફોલ્ટની કેટલીક ઘટના, વિશ્વ બજારમાં સ્થિર સ્થિતિ તથા ઊભરતા દેશોમાં પ્રવર્તી રહેલા ઊંચા ધિરાણ જોખમો જેવા કારણોસર વિદેશના રોકાણકારોનું માનસ ખરડાયેલું છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

જો કે ભારત સરકારની ગેરન્ટી અથવા ઊંચા રેટિંગ સાથેની ભારતીય કંપનીઓના ઋણ સાધનો અથવા ઈક્વિટીઝમાં નાણાં રોકવાનું રોકાણકારો હજુપણ પસંદ કરી રહ્યા છે. 

કોરોનાની અસરને કારણે ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશો હાલમાં આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે રોકાણકારો સરકારી સાધનો અથવા આસાનીથી લિક્વિડ થઈ શકે તેવા સાધનો જેમ કે ગોલ્ડ અને ઈક્વિટીસમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા હોવાનું પણ વિશ્લેષકે ઉમેર્યું હતું. 

Web Title: Coronavirus effects on private markets