કોરોના વાયરસ રોગચાળાથી પશ્ચિમ રેલવેને રૂ.1784 કરોડનું જંગી નુકશાન
india-news
|
July 20, 2020, 11:55 AM
| updated
July 20, 2020, 11:59 AM

vyaapaarsamachar.com
અમદાવાદ : કોવિડ -19સંકટને કારણે પશ્ચિમ રેલ્વેને અત્યાર સુધીમાં 1784 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પશ્ચિમ રેલ્વેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર (સીપીઆરઓ) સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર આ આંકડામાં પરા વિભાગ માટે આશરે રૂ.263 કરોડ અને નોન-પરા વિભાગ માટે આશરે રૂ.1521 કરોડનો સમાવેશ થાય છે.
સુમિત ઠાકુરે વધુમાં જણાવ્યું છે કે આ વર્ષે 1 માર્ચથી 16 જુલાઇ સુધી ટિકિટ રદ થવાને કારણે વેસ્ટર્ન રેલ્વેએ 61.15 લાખ ગ્રાહકોને 398.01 કરોડ રૂપિયા રિફંડ તરીકે આપ્યા છે. તેમણે કહ્યું કે મુંબઈ વિભાગ જે પશ્ચિમ રેલ્વેનું મુખ્ય મથક પણ છે ત્યાં આ સમયગાળા દરમિયાન 190.20 કરોડનું રિફંડ મળ્યું છે.
કોરોના વાયરસને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને પગલે માર્ચના છેલ્લા અઠવાડિયાથી ટ્રેનોની અવરજવર પર હંગામી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારતીય રેલ્વેએ પરપ્રાંતિય મજૂરોને તેમના મૂળ રાજ્યોમાં પાછા મોકલવા લોકડાઉન વચ્ચે 1 મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી હતી. 12 મેથી દેશના જુદા જુદા શહેરોમાંથી સામાન્ય મુસાફરો માટે 15 સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરી હતી. હાલ મોટાભાગના રૂટો પર ટ્રેનો દોડવા માંડી છે, જોકે, વાયરસના જોખમને લીધે માર્ગ ઘટાડવામાં આવી રહ્યો છે અને ટ્રેનોની સંખ્યા પણ ઓછી છે.
ભારતમાં જીવલેણ કોરોના વાઈરસનો વ્યાપ સતત પણે વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રોજ કોરોનાના દૈનિક કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. ગુરૂવારથી દરરોજ કોરોનાના કેસમાં 36,000થી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે ફરી એક વખત કોરોનાના કેસમાં દૈનિક વિક્રમી 40,000થી વધુ કેસ નોંધાયા હતા. દેશમાં રવિવારે 24 કલાકમાં સૌથી વધુ કોરોનાના નવા 40,537 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 675નાં મોત નીપજ્યાં હતા. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 11,14,350 થઈ ગઈ છે, જેમાંથી 6,95,661 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાનો કુલ મૃત્યુઆંક 27,451 થયો છે.
Web Title: Western Railways suffers loss of ₹1,784 crores due to coronavirus pandemic