કોરોના હેલ્થ ઈન્સ્યોરન્સ : ક્લેઇમ કરનારની સંખ્યા 1 લાખની નજીક, 1400 કરોડનો દાવો

india-news
|

August 06, 2020, 4:58 PM

| updated

August 06, 2020, 5:20 PM


Corona Health Insurance Claims Near 1 Lakh As Private Treatment Grows (1).gif

www.vyaapaarsamachar.com

  • કોરોના હેલ્થ ઈન્સ્યોરન્સ હેઠળ ક્લેમ કરનારાઓની સંખ્યા 1 લાખની નજીક
  • દરરોજ આશરે 2000 ક્લેમ નોંધાઈ રહ્યા છે
  • ક્લેમની રકમ રૂપિયા 1400 કરોડની નજીક પહોંચી
  • હોમ ક્વોરેન્ટાઇનને કારણે ક્લેમનો ગ્રાફ ઘટી રહ્યો છે

નવી દિલ્હી : દેશમાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોરોના હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ કરનારાઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. એક અહેવાલ અનુસાર આવા ક્લેમ કરનારાઓની સંખ્યા 1 લાખની નજીક પહોંચી ગઈ છે અને ક્લેમની રકમ લગભગ 1400 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. સૌથી વધુ ક્લેમ કરનારાઓની સંખ્યા મુંબઈની છે.

દેશમાં રોજના સરેરાશ 50 હજાર કોરોના કેસ

દેશમાં દરરોજ સરેરાશ 50 હજાર કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. તેમાંથી હેલ્થ ઈન્સ્યોરન્સ દાવાની સરેરાશ સંખ્યા આશરે 2000 જેટલી નોંધાઈ રહી છે. ક્લેમમાં ઝડપી વધારાને લઈને ઈન્સ્યોરન્સ કંપનીઓનું કહેવું છે કે, અગાઉ કોરોનાની સારવાર મોટાભાગે સરકારી હોસ્પિટલોમાં થતી હતી. હવે ખાનગી હોસ્પિટલોમાં પણ યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઈન્સ્યોરન્સની સુવિધા ધરાવતા લોકો હવે સરકારી હોસ્પિટલના જગ્યાએ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે. બેંગલુરુની લગભગ 5000 જેટલા કોરોના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં દાખલ છે.

દેશમાં 51 હજાર કરોડનું હેલ્થ ઈન્સ્યોરન્સ માર્કેટ

ભારતમાં હેલ્થ ઈન્સ્યોરન્સ માર્કેટ લગભગ 51 હજાર કરોડનું છે. તે જોતા કહી શકાય કે, આ હેલ્થ ઈન્સ્યોરન્સની રકમ કોઈ મોટી રકમ નથી. વીમા કંપનીઓનું કહેવું છે કે, આવનારા સમયમાં ક્લેમની સંખ્યા ખૂબ ઊંચે જવાની શક્યતાઓ નથી. આ પાછળના બે કારણોનો ઉલ્લેખ કરતા વીમા કંપનીઓએ જણાવ્યું કે, કોરોનાનું સંક્રમણ હવે મેટ્રો સિટીના બદલે નાના શહેરોમાં ફેલાઈ રહ્યું છે અને નાના શહેરોમાં ઈન્સ્યોરન્સ લેનારાઓની સંખ્યા પણ ઓછી છે, તેથી ક્લેમની સંખ્યા ઘટશે. બીજું મહત્વનું કારણ એ છે કે, ડોકટરો પણ કોરોનાના સામાન્ય અસરગ્રસ્ત દર્દીઓને તેમના ઘરે રહેવાની સલાહ આપી રહ્યા છે. તેથી હોસ્પિટલનો ખર્ચ ઘટશે.

Web Title: Corona Health Insurance Claims Near 1 Lakh As Private Treatment Grows