કૌશામ્બીમાં ‘બિકરૂ રિટર્ન્સ’, આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો

india-news
|

August 13, 2020, 12:36 PM


‘Bikru Returns’ in Kaushambi Attack on police who went to arrest.jpg

vyaapaarsamachar.com

લખનઉ: ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર પોલીસ પર શકમંદ દ્વારા હુમલો કરીને પોલીસની પિસ્તોલ ઝૂંટવી લેવાની ઘટના બની હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યા મુજબ બુધવારે રાત્રે કૌશામ્બીના સૈની વિસ્તારના કછુઆ ગામમાં એક ચોરીની ઘટનાની તપાસ માટે પોલીસ ગઇ હતી. એક શકમંદને પકડવાનો હતો. એ સમયે પોલીસ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થઇ હતી અને પોલીસના કહેવા મુજબ શકમંદને બચાવવા ગ્રામજનોએ પોલીસ ટુકડી પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં એક ઑફિસર સહિત કુલ બે જણને ઇજા થઇ હતી અને સંબંધિત ઑફિસરની પિસ્તોલ ઝૂંટવીને આરોપી ફરાર થઇ ગયો હતો.

કડાધામ પોલીસ સ્ટેશનની હદમાં એક કરતાં વધુ ઘરમાં ચોરીની ઘટના બની હતી. બાતમીદારે પોલીસને આપેલી માહિતીના આધારે પોલીસ કછુઆ ગામમાં દરોડો પાડવા ઘઇ હતી. દરોડા દરમિયાન પોલીસે સિન્ટુ નામના એક યુવાનની ધરપકડ કરી હતી. એટલામાં સિન્ટુની મા ફૂલકલી અને ડઝનબંધ મહિલાઓએ લાઠી-દંડા-ઇંટ- પથ્થર વડે પોલીસ પર હુમલો કર્યો હતો . આ હુમલામાં એક ઇન્સ્પેક્ટર અને એક  કોન્સ્ટેબલને ગંભીર ઇજા થઇ હતી. હુમલાખોરોએ પોલીસની પિસ્તોલ અને મોબાઇલ ફોન સુદ્ધાં આંચકી લીઘા હતા. બંને પોલીસ પોતાનો જાન બચાવીને ત્યાંથી ભાગ્યા હતા.

અત્રે એ યાદ કરવા જેવું છે કે ગયા મહિને કાનપુરના બિકરુ ગામમાં પોલીસ પર આ રીતે હુમલો થયો હતો. પોલીસ ગેંગસ્ટર વિકાસ દૂબેને પકડવા બિકરુ ગઇ હતી. વિકાસ દૂબેએ પોતાની ટોળી સાથે મળીને પોલીસ પર હુમલો કર્યો હતો જેમાં આઠ પોલીસ માર્યા ગયા હતા. ત્યારબાદ પોલીસે એને ઉજ્જૈનના એક મંદિર પાસેથી પકડીને એનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. છેલ્લા થોડા સમયથી ઉત્તર પ્રદેશમાં ગુનેગારો વધને વધુ બેફામ બની રહ્યા હતા અને પોલીસ પર હુમલાની ઘટનાઓ વધી રહી હતી. 

Web Title: After Kanpur, Now attack on police in Kaushambi, fugitive fleeing with police pistol