ખેડૂતો કપાસ છોડી અચાનક મગફળી પાછળ કેમ પડ્યાં?… ખરીફ વાવેતરમાં આશ્ચર્ય

krishi-news-gujarat
|

July 27, 2020, 11:32 AM


WhatsApp Image 2020-07-27 at 11.24.36 AM.jpeg

vyaapaarsamachar.com

ગાંધીનગર:  ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ તેમના ખેતરમાં પહેલીવાર વિક્રમસર્જક મગફળીનું વાવેતર કર્યું છે. આ ખેડૂતો અત્યાર સુધી કપાસનું વાવેતર કરતાં હતા. કહેવાય છે કે પવન કઇ દિશામાં છે તેની ખબર પહેલાં ખેડૂતોને પડી જાય છે. કપાસની નિકાસમાં મુશ્કેલી હોવાથી ખેડૂતોએ પાક પરિવર્તન કર્યું છે.

ગાંધીનગરના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પહેલાં મગફળીનું વાવેતર સામાન્ય રીતે 5000 હેક્ટર વિસ્તારમાં થતું હતું તે વધીને 15000 હેક્ટર સુધી પહોંચી ગયું છે. વરસાદની અનિયમિતતા અને કોરોના સંક્રમણના કારણે ખેડૂતોએ મગફળીના રોકડિયા પાકની ખેતી શરૂ કરી છે.

ગાંધીનગર ખેતીવાડી વિભાગ જણાવે છે કે અત્યાર સુધીમાં ખરીફ સિઝનમાં 50 ટકા વાવેતર પૂર્ણ થયું છે. 1.40 લાખ હેક્ટરની સામે 80000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જિલ્લામાં ડાંગરનું 7000 હેક્ટરમાં, બાજરીનું 2000 હેક્ટરમાં, જુવારનું 56 હેક્ટરમાં, મગનું 277 હેક્ટરમાં, તલનું 63 હેક્ટરમાં, સોયાબીનનું 43 હેક્ટરમાં, ગુવારનું 2323 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ પાક પેટર્ન જોઇએ તો 5500 હેક્ટરમાં મગફળીનું વાવેતર થતું હતું પરંતુ આ વખતે ત્રણગણું થઇ ગયું છે. આ વર્ષે ખરીફ સિઝનમાં દહેગામ તાલુકામાં 7000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. એવી જ રીતે ગાંધીનગર તાલુકામાં 4500 હેક્ટર, માણસા તાલુકામાં 2500, કલોલ તાલુકામાં 1000 હેક્ટર વિસ્તારમાં મગફળી વાવવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા ખેતીવાડી અધિકારી ડીપી જાદવ કહે છે કે છેલ્લા ઘણાં સમયથી સરકાર દ્વારા મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે છે તેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે છે. અત્યારે મગફળીના પાકને અનુરૂપ વરસાદ પણ પડી રહ્યો છે તેથી ખેડૂતો તેની તરફ આકર્ષાયા છે. આ ખેડૂતો પહેલાં કપાસનું વાવેતર કરતાં હતા પરંતુ કોરોના સમયે નિકાસની શક્યતા ઓછી જણાતાં ખેડૂતોએ મગફળીનો પાક પસંદ કર્યો છે.

Web Title: Surprise in kharif planting, Farmers likes to plant peanuts instead of cotton