ગોલ્ડ લોન કંપનીઓનાં ૧૨ ટકા સામે રાષ્ટ્રીયકૃત બેન્કોના વ્યાજદર માત્ર ૭ ટકા

commodity-news-india
|

July 28, 2020, 1:17 PM


WhatsApp Image 2020-07-28 at 9.12.48 AM.jpeg

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ તા. ૨૮:

પર્સનલ લોન સામે ગોલ્ડ લોન વધુ સસ્તી થઇ ગઈ છે. સોનાના ભાવ આસમાને ગયા છે ત્યારે ગોલ્ડ લોનના વ્યાજદર નાટ્યાત્મક રીતે નીચે ઉતરી સ્પર્ધાત્મ બન્યા છે. બીજી કોઈ પણ પ્રકારની લોન કરતા સોના પર લીધેલી લોન ઓછી ખર્ચાળ બની છે. ભારત સરકારની રાષ્ટ્રીયકૃત બેન્કોએ શોર્ટટર્મ ગોલ્ડ લોન યોજનાના વ્યાજદર ૭.૫ ટકાથી ઘટાડી ૭ ટકા કર્યા છે.

સોના પર લોન આપતી કંપનીઓના વ્યાજદર તેની સાઈઝ અને મૂલ્યાંકનને આધારે ૧૨થી ૧૮ ટકા નિર્ધારિત કર્યા છે. નોનબેંકિંગ ફાયનાન્સ કંપનીઓ મન્નાપુરમ અને મુથુત ફાઈનાન્સ સહિતની કંપનીઓ ૧૨ ટકા કરતા વધુ ચાર્જ કરે છે. કેટલીંક બેંકો અને ફાયનાન્સ કંપનીઓનાં પ્રતિ ગ્રામ સોનાના ધિરાણદર તો ક્યાય વધુ હોય છે. એક બેન્કરે કહ્યું હતું કે અમેં સોનાના મૂલ્યના ૮૦ ટકા સુધી જ લોન આપીએ છીએ. આવી કેટલીક બેંકો અને કંપનીઓ સોનાના ભાવ આસમાને ગયા હોવા છતાં, ગરજવાન ગ્રાહક માટેનાં સોનાના ભાવ પ્રતિ ગ્રામ રૂ. ૩૭૪૫ નિર્ધારિત કરીને બેઠી છે.

વળી આવી બંપર એગ્રી જ્વેલ લોન યોજનામાં તમારા સોનાના મૂલ્યના ૮૫ ટકા સુધી લોન મળી શકે છે, એવું એક બેંકરે જણાવ્યું હતું. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં .૯૯૯ (૨૪ કેરેટ) ટચ સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ વધીને રૂ. ૫૦,૦૦૦નો આંક વટાવી ગયા છે. આમ હવે લોકોના ઘરોમાં દાગીના સ્વરૂપે પડેલા સોના સામે લોન ઉપલબ્ધ કરાવીને સરકારે બજારમાં રોકડ પ્રવાહિતા વધારવાના પ્રયાસ કર્યા છે. 

કેટલાંક રોકાણકારોના પોર્ટફોલિયોમાં સારું એવું નુકશાન થયું છે, ત્યારે સોનાના ભાવમાં ઉછાળો સહાયરૂપ બની ગયો છે. કેટલાંક લોકો હાલમાં રોકડ પ્રવાહિતાની સમસ્યા અનુભવે છે તેમના માટે પણ વ્યાજદર ઘટાડો મદદગાર સાબિત થયો છે. બેરોજગારી અને પગારકપાતના આ યુગમાં વધુને વધુ લોકોએ ફીઝીકલ ગોલ્ડ સામે લેન લેવા લાઈન લગાવી છે.  

વ્યાજદર તો ઘટ્યા છે સાથે સાથે આવી લોન મેળવવા માટે બહુ કડાકૂટ પણ નથી કરવી પડતી. તમે સોનું લઈને બેન્કમાં દાખલ થાવ અને એક કલાકમાં લોન સાથે પાછા ફરી શકો છો. લોન લેવા માટે તમારી પૂર્વ હિસ્ટરી કે ક્રેડીટ સ્કોર પોઈન્ટ પણ આવી લોન માટે જોવામાં આવતા નથી. વળી આવી લોન માટે બહુબધા કાગળ પત્તર કરવામાં નથી આવતા. લોન લેનારને આવાક્ના કોઈ પુરાવા પણ આપવાની જરૂર નથી પડતી. બસ માત્ર કેવાયસી જેવા પ્રાથમિક ડોક્યુમેન્ટની આવશ્યકતા રહે છે.

વર્તમાન કોરોના મહામારી વચ્ચે લોકો અને ખાસ કરીને ગ્રામ્ય ખેડૂતોની ખરીદશક્તિ વધારવા નેશનાલાયઝડ બેન્કોના વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિને રૂ. ૧ લાખની લોન જોઈતી હોય તો વીસ મહિના સુધી માસિક માત્ર રૂ. ૫૪૩ ભરવાના રહે છે. જો તમે ટૂંકાગાળા માટે આવી બંપર એગ્રી જ્વેલ લોન લો તો પણ તમને વાર્ષિક ૭ ટકાના ફિક્સદરે પણ લોન ઉપલબ્ધ થાય છે.     

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૮-૭-૨૦૨૦

Web Title: Private Companies Eating More Interest Rate of 12%, 5% Higher than Govt Banks