ચાલુ વર્ષે નવ વર્ષમાં સૌથી વધુ પ્રોફેશનલ કોલેજોના પાટીયા પડી ગયા

india-news
|

July 29, 2020, 2:17 PM


This year, a maximum of 180 professional colleges were closed.jpeg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં એન્જિનિયરિંગ ઇન્સ્ટીટયૂટ અને બિઝનેસ સ્કૂલ સહિત ૧૮૦ પ્રોફેશનલ કોલેજો  બંધ થઇ ગઇ છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન(એઆઇસીટીઇ) અનુસાર ૨૦૨૦-૨૧માં બંધ થયેલી પ્રોફેશનલ કોલેજોની સંખ્યા છેલ્લા ૯ વર્ષમાં સૌથી વધારે છે. બંધ થયેલી ૧૭૯ પૈકી ૧૩૪ સંસ્થાઓ એવી છે જેમાં છેલ્લા પાંચ વર્ષથી મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેતા તેમણે ચાલુ વર્ષે મંજૂરી ન માગતા આ સંસ્થાઓ ઓટોમેટિક બંધ થઇ ગઇ છે.

અન્ય ૪૪ સંસ્થાઓને મંજૂરી આપવામાં આવી નથી અથવા શિક્ષાત્મક કાર્યવાહી સ્વરૃપે તેમની મંજૂરી પરત લઇ લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં ૯૨ ટેકનિકલ ઇન્સ્ટીટયૂટ બંધ કરવામાં આવી હતી. ૨૦૧૮-૧૯માં ૮૯, ૨૦૧૭-૧૮માં ૧૩૪, ૨૦૧૬-૧૭માં ૧૬૩, ૨૦૧૫-૧૬માં ૧૨૬ અને ૨૦૧૪-૧૫માં ૭૭ પ્રોફેશનલ કોલેજો બંધ થઇ હતી. 

જો કે જે કોલેજો બંધ થાય છે તેમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો નથી પણ જે વિદ્યાર્થીઓ અગાઉથી તેમાં ભણી રહ્યાં છે તેમને કાઢી મૂકવામાં આવતા નથી, તેમનો કોર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના માટે કોલેજ ચાલુ રાખવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં એઆસીટીઇએ ૧.૦૯ લાખ બેઠકોને મંજૂરી આપવામાં આવી છે. એઆઇસીટીઇના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા અનુસાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી નવી કે ચાલુ આર્કિટેકચર અને ફાર્મસી કોલેજોને અનુક્રેમે કાઉન્સિલ ઓફ આર્કિટેકચર અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવી પડશે. 

સત્તાવાર આંકડા અનુસાર ૭૬૨ કોલેજોમાં કુલ ૬૯,૦૦૦ બેઠકો ઘટી છે. જો કે બીજી તરફ એઆસીટીઇએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૬૪ નવી સંસ્થાઓને મંજૂરી આપી છે જેના કારણે ૩૯,૦૦૦ બેઠકોનો વધારો થયો છે.

Web Title: 179 professional colleges closed this year: highest in last 9 years