ટૂંકાગાળામાં ખાંડના ભાવ ૧૩ સેન્ટની ઊંચાઈ વટાવી જશે

commodity-news-india
|

August 13, 2020, 10:47 AM


WhatsApp Image 2020-08-13 at 9.13.44 AM.jpeg

vyaapaarsamachar.com

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ તા.૧૩:

એશિયન દેશોમાં સુગર માંગ પાછી ફરી રહયાના અહેવાલ અને બ્રાઝીલ પછી બીજા નંબરના સૌથી મોટા નિકાસકાર થાઈલેન્ડ અને મેક્સિકોમાં સપ્લાય સમસ્યાઓમાથી જન્મેલી ચિંતાઓ પર સવાર આઈસીઈ રો સુગર વાયદો વધી આવ્યો હતો. ૬ ઓગસ્ટે ૧૩ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ), ૫ માર્ચ પછીની ઉંચાઈએ બોલાયા બાદ ઓક્ટોબર વાયદો ગુરુવારે ૧૨.૯૩ સેન્ટ મુકાયો હતો. સુગર ટ્રેડરો કહે છે કે બ્રાઝીલના ચલણ રીલ નબળો પડવાને ટેકે, ટૂંકાગાળામાં ભાવ ૧૩ સેન્ટની ઊંચાઈ વટાવી જશે.

ખાંડને ઉપર જવાનો રસ્તો ખોલી આપે તેવી ઘટનાઓ તાજેતરમાં બની છે. ચીન તેની સુગર અનામત વધારવા વધુ આયાત કરશે, પાકિસ્તાન ૩ લાખ ટનના આયાત ટેન્ડર ફ્લોટ કરશે, થાઈલેન્ડે વર્તમાન મોસમમાં દાયકામાં સૌથી ઓછું ખાંડ ઉત્પાદન કર્યા બાદ ૨૦૨૦/૨૧મા પણ શેરડી ઉત્પાદનમાં ઘટ આવશે, યુરોપમાં કોરોના મહામારી હળવી થયાના અહેવાલ અને માંગ વૃદ્ધીમાં જેવા અસંખ્ય કારણોનો સમાવેશ થાય છે. સપ્લાય ચેઈન પ્રોવાઈડર સેઝાર્નીકોવ કહે છે કે ચીન ૨૦૨૦મા, આગાઉ કરતા વધુ વિક્રમ ૫૦ લાખ ટન ખાંડ આયાત કરશે.

આ બધા સમાચાર વચ્ચે લંડન વ્હાઈટ સુગર ૩૭૧.૯૦ ડોલર પ્રતિ ટન મુકાઈ હતી. તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણ અહેવાલમાં જણાવાયું હતું કે ૨૦૨૦/૨૧ સિઝનમાં જાગતિક પુરાંત ૩૫ લાખ ટન રહેશે. સોપેક્સ ગ્રુપના એનાલીસ્ટ કહે છે કે કોરોના વાયરસની ખાંડ પર નકારાત્મક અસર કેટલી થશે તે સમજવું અઘરું છે, પણ ભારત અને ચીનમાં જે અસર વર્તાય છે, તેવું આખા જગતમાં ન પણ બને. શક્ય છે કે જાગતિક મંદીની અસર ખાંડની માંગ ઉપર પડશે.

મહામારીને લીધે ફ્યુઅલ માંગ ઘટી હોઈ બ્રાઝીલનો શેરડી પાક મિલોને ખાંડ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરશે. એનાલીસ્ટો એવી આગાહી કરે છે કે ૨૦૨૦/૨૧મા બ્રાઝીલની ૪૭ ટકા શેરડી ખાંડ ઉત્પાદનમાં જશે, અગાઉ આ અંદાજ ૩૬.૫ ટકાનો હતો. જાગતિક એનાલીસ્ટોનું માનવું છે કે ૨૦૨૦/૨૧મા ભારતનું ખાંડ ઉત્પાદન જાન્યુઆરી અંદાજ ૩૧૧ લાખ ટનથી વધીને ૩૧૮ લાખ ટન આવશે.

અલબત્ત, ઇન્ડીયન સુગર મિલ્સ એસોસીયેશન (ઈસ્મા)નો અંદાજ છે કે ૨૦૨૦/૨૧ની મોસમનો ઓપનિંગ સ્ટોક, વર્તમાન મોસમના સ્ટોક ૨૭૨ લાખ ટન સામે, ૧૨.૧ ટકા વધુ ૩૦૫ લાખ ટનથી થશે. આ બન્ને સ્ટોક સ્થાનિક વાર્ષિક સરેરાશ વપરાશ ૨૫૦થી ૨૫૫ લાખ ટન કરતા વધુ હશે અને નિકાસ ૫૦થી ૫૫ લાખ ટનનો અંદાજ છે. 

૨૦૨૧મા વધુ ઉત્પાદન સાથે સ્થાનિક બજારમાં ૪૨૦ લાખ ટનની ઉપલબ્ધી રહેશે. ક્રેડીટ રેટિંગ એજન્સી ઇકરા કહે છે કે જો વપરાશમાં વધારો થાય અને નિકાસનો વેગ વધે તો ભારતમાં ટૂંકાગાળામાં ભાવને ટેકો સાંપડશે. પણ જો પુરાંત સ્ટોકનો સિનારિયો જોઈએ તો ભાવમાં મોટી તેજી સંભવિત નથી.           

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૩-૮-૨૦૨૦

Web Title: China Demands to Help Sugar Price Go Past Above 13 Cent in Near Future