ડિપ્લોમા ઈજનેરીમાં 4800 વિદ્યાર્થી વધ્યા : 40 હજારથી વધુનું રજિસ્ટ્રેશન

gujarat-samachar-news
|

September 02, 2020, 9:20 PM


4800 students increased in Diploma Engineering more than 40 thousand registrations.jpg

www.vyaapaarsamachar.com

અમદાવાદ : ધો.10 પછીના ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન મુદ્દત વધતા 4800 વિદ્યાર્થી વધ્યા છે. જેના લીધે કુલ રજિસ્ટ્રેશન 40 હજારથી પણ વધી ગયુ છે. આમ હવે ખાલી બેઠકો આ વર્ષે થોડી ઘટશે.

એડમિશન કમિટી દ્વારા ચાલી રહેલી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત અગાઉ નિયત કાર્યક્રમ મુજબ રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયા બાદ વિદ્યાર્થીઓ, કોલેજો, વાલીઓની રજૂઆતોને પગલે મુદ્દત વધારી 31મી ઓગસ્ટ સુધી કરાઈ હતી. અગાઉ 35494 વિદ્યાર્થીઓનું કુલ રજિસ્ટ્રેશન થયુ હતુ પરંતુ 11 દિવસની મુદત મળતા 4800 વિદ્યાર્થી વધ્યા છે.

મુદત વધ્યા બાદ ધો.10 પછીના 4676 વિદ્યાર્થી વધ્યા છે જ્યારે  આઈટીઆઈ-ટીઈબી સર્ટિફિકેટ કોર્સીસ પાસ કરેલા 131 વિદ્યાર્થી વધ્યા છે. આમ હવે ડિપ્લોમા ઈજનેરીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે  ધો.10 પછીના 39369 અને સર્ટિફિકેટ કોર્સ પછીના 932 સહિત કુલ 40301 વિદ્યાર્થીઓ છે.

જો કે ગત વર્ષની સરખામણીએ તો રજિસ્ટ્રેશન હજુ પણ ઓછુ છે પરંતુ ધારણા કરતા સારૂ રજિસ્ટ્રેશન થયુ છે અને હજુ પણ પુરક પરીક્ષાના પરિણામ બાદ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક બને તેમ હોઈ આ વર્ષે ખાલી બેઠકો ઘટશે .

પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ હવે જે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ સબમીટ કરવાના બાકી હોય કે કે અન્ય કોઈ વિગત પસંદ કરવામા ભૂલ હોય તો તે 5મી સુધી સુધારી શકાશે. ત્યારબાદ 9મીએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. જે સુધારેલુ નવુ જાહેર થશે.

અગાઉ 34 હજારથી વધુ વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવાયુ હતુ અને ત્યારબાદ રજિસ્ટ્રેશન મુદત વધારવામા આવી હતી. જેથી નવા 4800 વિદ્યાર્થીઓ ઉમેરાતા હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમા ક્રમાંક ફેરફાર થશે. 9મીએ મેરિટ લિસ્ટ સાથે ઓનલાઈન મોકરાઉન્ડ જાહેર થશે અને જે 15મી સુધી ચાલશે. મોક રાઉન્ડનું પરીણામ 18મીએ જાહેર થશે અને 18મીએ ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર થશે.

Web Title: 4800 students increased in Diploma Engineering: more than 40 thousand registrations