ડિફોલ્ટરોની પર્સનલ ગેરંટી જપ્ત કરવા બેન્કોને નાણાં મંત્રાલયનો આદેશ
share-market-news-india
|
September 04, 2020, 8:49 PM
| updated
September 04, 2020, 8:49 PM

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની તમામ બેન્કોને એવા કેસોમાં ધ્યાન આપવાનો નિર્દેશ કર્યો છે જ્યાં દેવાની ચૂકવણી ન કરનાર કોર્પોરેટ ડિફોલ્ટરની વ્યક્તિગત ગેરંટી આપનાર વ્યક્તિ વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શરૂ કરી શકાય છે. ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ તણાવગ્રસ્ત સંપત્તિઓની માટે સમયબદ્ધ અને બજાર સાથે સંલગ્ન ઉકેલો પુરા પાડે છે.
નાણાં મંત્રાલયના આદેશને પગલે SBIના નેજા હેઠળ ભારતની તમામ સરકારી બેન્કો એવા તમામ ડિફોલ્ટરોની યાદી તૈયાર કરી રહી છે જેમણે લોન લેતી વખતે તેમની વ્યક્તિગત ગેરંટી આપી હતી અને તેઓ ડિફોલ્ટ થતા નાદારીની કાર્યવાહી કરવાની નોબત આવી છે. સૂચના મુજબ એવી કંપનીઓ જેમને ડેટ રિઝોલ્યુશન માટે એનસીએલટીમાં ધકેલી લેવામાં આવી છે, તેવા તમામ પ્રમોટરોની વ્યક્તિગત ગેરંટીઓ જપ્ત કરવામાં આવશે.
આ કાયદા હેઠળ કોર્પોરેટ ડિફોલ્ટરના કેસોમાં પર્સનલ ગેરંટી આપનાર વ્યક્તિની વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શરૂ કરવાની જોગવાઇ છે, અલબત ફસાયેલી રકમ વસૂલવા માટે ધિરાણકર્તાઓએ અત્યાર સુધી આ કાયદાનો પુરતો ઉપયોગ કર્યો નથી.
નાણાં વિભાગે જાહેર ક્ષેત્રની બેન્કોને એક સપ્તાહમાં આ કેસો અંગે વિચારણ કરવા જણાવ્યુ છે, જેમાં એનસીએલટી સમક્ષ વ્યક્તિગત નાદારીની કાર્યવાહી શરૂ કરવાની સ્થિતિ સર્જાઇ શકે છે.
સૂચનમાં જણાવ્યુ છે કે, બેન્કો આવા કેસોમાં વ્યક્તિગત ગેરંટરથી લઇને કોર્પોરેટ દેવાદારના આંકડાઓ એક્ત્ર કરવા માટે એક આઇટી સિસ્ટમ સ્થાપિત કરવા અંગે વિચારી શકે છે. આ સુચન 26 ઓગસ્ટે આપવામાં આવી છે. કોર્પોરેટ દેવાદારના વ્યક્તિગત ગેરંટર વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શરૂ કરવાના નિયમો પાછલા વર્ષે ડિસેમ્બરથી અમલી બન્યા છે.
તાજેતરમાં NCLTની મુંબઇ ખંડપીઠે SBIને ઉદ્યોગપતિ અનિલ અંબાણી વિરુદ્ધ વ્યક્તિગત નાદારીની કાર્યવાહી શરૂ કરવા મંજૂરી આપી હતી જે 1200 કરોડ રૂપિયાની લોન આપવાના મામલે પર્સનલ ગેરંટર હતા. આ કદાચ કોઇ બિઝનેસના માલિક કે ઉચ્ચ અધિકારી વિરુદ્ધ પ્રથમ વ્યક્તિગત નાદારીની કાર્યવાહી હતી. અલબત દિલ્હી હાઇકોર્ટે અનિલ અંબાણી વિરુદ્ધ વ્યક્તિગત નાદારીની કાર્યવાહી શરૂ કરવાના NCLTના આદેશ પર રોક લગાવી છે.
Web Title: Finance ministry directs PSU banks to invoke personal guarantees of defaulters