દેશના રિટેલ વેપારમાં પહેલા સપ્તાહમાં વાર્ષિક ધોરણે 64 ટકાનો ઘટાડો નોંધાયો
india-news
|
July 24, 2020, 4:19 PM

vyaapaarsamachar.com
નવી દિલ્હી: ભારતના રિટેલરોના વેપારમાં જુલાઈના પ્રથમ પખવાડિયામાં વાર્ષિક ધોરણે ૬૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. કોરોનાની અસરને કારણે તેમના વેપાર પર પ્રતિકૂળ અસર સતત ચાલુ રહી છે. રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (રાય) દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જણાયું હતું કે, રિટેલ ક્ષેત્ર માટે કોવિડ-૧૯ની અસરમાંથી રિકવરીના હજુ કોઈ ચિહ્ન જણાતા નથી.
કોરોનાની મહામારીને કારણે દેશના રિટેલ ક્ષેત્ર પર ગંભીર અસર પડી છે. જુલાઈ-૧થી ૧૫ દરમિયાન હાથ ધરાયેલા સર્વેમાં સંપૂર્ણ જુન મહિનાની સરખામણીએ સાધારણ જ સુધારો થયાનું જણાયું છે. જુનમાં રિટેલ વેપારમાં ૬૭ ટકા ઘટાડો નોંધાયો હતો. રાય જે દેશના મોડર્ન રિટેલરોનું પ્રતિનિધિત્વ કરે છે તેના દ્વારા દર મહિને સર્વે હાથ ધરવામાં આવે છે. એપ્રિલમાં રિટેલ વેપારમાં ૮૮ ટકાનું ગાબડું જોવાયું હતું.
કોરોનાના ફેલાવાને અટકાવવા ભારતમાં એપ્રિલ-મેમાં સખત લોકડાઉન લાગુ કરાયા હતા. છેલ્લામાં છેલ્લા સર્વે પ્રમાણે, ફૂડ તથા ગ્રોસરી અને કન્ઝયૂમર ડયૂરેબલ્સમાં સાધારણ સુધારો જોવા મળ્યો છે. જ્યારે એપરલ સેગમેન્ટમાં જોરદાર ઘટાડો ચાલુ રહ્યો છે.
સ્થાનિક સ્તરે લાગુ કરાતા કામચલાઉ લોકડાઉનને કારણે રિટેલરો મુંઝવણમાં મુકાઈ રહ્યા છે. આવા પ્રકારના લોકડાઉનને પરિણામે પૂરવઠા ખલેલ તથા કર્મચારીઓને લગતા પ્રશ્નો ઊભા થાય છે, એમ રાયના એક હોદ્દેદારે જણાવ્યું હતું. સ્થાનિક સ્તરે લાગુ કરાતા લોકડાઉનને કારણે વેપાર પર ગંભીર અસર પડી રહી છે અને રિકવરીની આશા પર પાણી ફરી વળ્યું છે. વેપાર કામકાજ વધારવા રિટેલરોને મોડે સુધી દૂકાનો ખૂલી રાખવા દેવાની પણ રાય વતિ સ્થાનિક સરકારી વહીવટીતંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
રિટેલરો જેમ કે કિરાના સ્ટોર્સ, જનરલ સ્ટોર્સ, સુપરમાર્કેટસને સપ્તાહના દરેક દિવસોએ કામ કરવા દેવાની પણ માગણી કરવામાં આવી છે. દેશમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી વિવિધ શહેરોમાં સ્થિતિ પ્રમાણે લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યા છે.
Web Title: India’s retail trade fell 64 per cent in first week of July 2020