દેશી કોરોના વેક્સીનનું 50 લોકો પર ટ્રાયલ પૂર્ણ, PGI રોહતકના પરિણામોથી જાગી આશા

health-news-india
|

July 26, 2020, 5:15 PM


Desi Corona vaccine trial completed, hopes of PGI Rohtak results.jpg

vyaapaarsamachar.com

રોહતક: ભારતની પ્રથમ કોરોના વાયરસ રસી કોવેક્સિનની ટ્રાયલ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. હ્યુમન પર તેના ફેઝ 1 ટ્રાયલનો પ્રથમ ભાગ પીજીઆઈ રોહતકમાં પૂર્ણ થયો છે. આ રસીનો પ્રથમ ડોઝ દેશભરના 50 લોકોને આપવામાં આવ્યો છે. શનિવારે, પીજીઆઈ રોહતકના વૈજ્ઞાનિકોએ બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ કરી હતી. તેમણે વધુ છ લોકોને વેક્સીનનો ડોઝ આપ્યો છે. ટ્રાયલ ટીમમાં પ્રિન્સીપલ ઈન્વેસ્ટીગેટર ડો. સવિતા શર્માએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે વેક્સીન ટ્રાયલના પ્રારંભિક પરિણામો ખૂબ ‘પ્રોત્સાહક’ રહ્યા છે.

કોવેક્સીનની સૌથી મોટી ટ્રાયલ દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં સંસ્થાના 100 વોલેન્ટિયર્સ પર ટ્રાયલ કરવાની છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, એઈમ્સમાં ટ્રાયલમાં ભાગ લેવા માટે લગભગ 3500 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 50 ટકાથી વધુ અન્ય રાજ્યના લોકો છે. દિલ્હીમાં રહેતા મોટાભાગના વોલેન્ટિયર્સના શરીરમાં પહેલેથી જ કોરોના સામે લડવા એન્ટીબોડી મોજુદ છે. જેનો અર્થ એ છે કે તેઓ ટ્રાયલ માટે યોગ્ય નથી. એઈમ્સમાં શુક્રવારે એક વ્યક્તિને વેક્સિનનો ડોઝ અપાયો હતો. તેને કોઈ પણ પ્રકારનું રિએક્શન આવ્યું નથી. તેને બે કલાક બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. 

ડોક્ટરે જણાવ્યું કે વોલેન્ટિયર્સને એક ડાયરી અપાઈ છે જેને તેમણે મેઈન્ટેન કરવાની છે. જો તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય તો તેમણે તે વિશે ડાયરીમાં લખવાનું છે. તેમણે કહ્યું કે વોલેન્ટિયરને ફોલોઅપ માટે સાત દિવસ બાદ ફરીથી બોલાવવામાં આવશે. પરંતુ આ દરમિયાન જો કોઈ પણ મુશ્કેલી થાય તો તેઓ ગમે ત્યારે આવી શકે છે. એટલું જ નહીં વેક્સિન ટીમના લોકો ફોન દ્વારા પણ તેમના સંપર્કમાં રહેશે અને રોજેરોજ હાલચાલ જાણશે. રસી અપાયા બાદ તેમના સેફ્ટી રિપોર્ટ પણ એથિક્સ સમિતિને મોકલવામાં આવશે. સમિતિના રિવ્યૂ બાદ આ ટ્રાયલને આગળ ધપાવવામાં આવશે. 

ભારતમાં બનેલી પહેલી કોરોના રસી કોવેક્સીનના ફેઝ 1 ટ્રાયલની 15 જુલાઈથી શરૂઆત થઈ હતી. એઈમ્સ પટના એ પ્રથમ ઈન્સ્ટિટ્યૂટ હતી જ્યાં આ વેક્સિનની ફેઝ 1ની ટ્રાયલ સૌ પ્રથમ શરૂ થઈ. કોવેક્સીન એક ‘ઈનએક્ટિવેટેડ’ વેક્સિન છે. તે એવા કોરોના વાયરસના પાર્ટિકલ્સમાંથી બનેલી છે કે જેમને ખતમ કરી દેવાયા હતાં જેથી કરીને તે ઈન્ફેક્ટ ન કરી શકે. તેના ડોઝથી શરીરમાં વાયરસ સામે લડવા એન્ટીબોડીઝ બને છે. 

કોવેક્સીન ઉપરાંત ઝાયડસ કેડિલાની ZyCoV-D ને પણ ફેઝ 1 અને ફેઝ 2 ટ્રાયલ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા મંજૂરી મળી છે. ટ્રાયલના ફેઝ 1માં ઝાડયસ કેડિલા 1000 પાર્ટિસિપેન્ટ્સને ડોઝ આપશે. ડીએનએ પર આધારિત ZyCoV-D અમદાવાદના વેક્સિન ટેક્નોલોજી સેન્ટર (VTC)માં વિકસિત કરાઈ છે. ભારતની ઓછામાં ઓછી સાત કંપનીઓ Bharat Biotech, Zydus Cadila, Serum Institute, Mynvax Panacea Biotec, Indian Immunologicals અને Biological E  કોરોનાની રસી બનાવવાના કામમાં લાગેલી છે. 

Web Title: Desi Corona vaccine trial completed on 50 people, hopes of PGI Rohtak results