ધ્યાન ફિનસ્ટોક કેસઃ સેબીએ 81 એન્ટિટીને ફટકાર્યો રૂ.6.55 કરોડનો દંડ
share-market-news-india
|
August 12, 2020, 6:16 PM
| updated
August 12, 2020, 6:17 PM

મુંબઇઃ ભારતીય શેરબજાર નિયામક સેબીએ ધ્યાન ફિનસ્ટોક દ્વારા પ્રેફરેન્શિયલ ધોરણે સ્ટોક ઇશ્યૂનો ઉપયોગ કરવાના મામલે 81 એન્ટિટીઓને રૂ.6.55 કરોડનો દંડ ફટકાર્યો છે.
નિયામકે નો-યોર કસ્ટમર્સ (કેવાયસી) દસ્તાવેજો, સામાન્ય ડિરેક્ટોરશિપ, ફંડ ટ્રાન્સફર્સ તેમજ શેર અને ફંડના ઓફ માર્કેટ ટ્રાન્સફરની તપાસ કરી છે. સેબીને તપાસમાં જાણવા મળ્યુ કે, આ એન્ટિટીઓ એક-બીજા સાથે જોડાયેલી હતી. આ કેસ વર્ષ 2013માં પ્રેફરેન્શિયલ ધોરણે ધ્યાન ફિનસ્ટોકના શેરના ઇશ્યૂ સંબંધિતછે. સેબીએ ધ્યાન ફિનસ્ટોકના શેરમાં સોદાની તપાસ કરી અને નોંધ્યુ કે કંપનીએ નવેમ્બર 2013માં 49 એન્ટિટીને પ્રેફરેન્શિયલ એલોટમેન્ટ હેઠળ 10 રૂપિયાના 64,25,000 શેર ઇસ્યૂ કર્યા હતા.
પ્રેફરેન્શિયલ એલોટમેન્ટ મેળવનાર આ 49 એન્ટિટીઓમાંથી કંપની સાથે સંબંધિત એન્ટિટીઓએ શેર ખરીદવા માટે ઘણી કંપનીઓને નાણાં પુરા પાડ્યા હતા. સેબીએ તપાસમાં નોંધ્યુ કે શેરનું પ્રેફરેન્શિયલ એલોટમેન્ટ ધ્યાન ફિનસ્ટોક, તેના ડિરેક્ટરો અને કંપની સાથે સંલગ્ન એન્ટિટીઓ દ્વારા બોગસ રીતે કરવામાં આવ્યુ હતુ. તે ઉપરાંત પ્રેફરેન્સિયલ એલોટમેન્ટમાં શેર મેળવનાર એન્ટિટીઓ ભાવમાં હેરફેર કરવામાં પણ સંડોવાયેલી હતી.
સેબીએ કહ્યુ કે, ધ્યાન ગ્રૂપની સાથે સંબંધ રાખનાર એન્ટિટીઓ કૃત્રિમ રીતે ભાવ વધારવા માટે શેરના ભાવમાં વધ-ઘટ કરવામાં સંડોવાયેલી હતી. સેબીએ મંગળવારે જારી કરેલ 178 પાનાંના આદેશમાં કહ્યુ કે, આવી રીતે આ એન્ટિટીઓએ છેતરપીંડિ અને અનુચિત વેપાર વ્યવહાર પર પ્રતિબંધની જોગવાઇઓનું ઉલ્લંઘન કર્યુ છે. આથી સેબીએ ધ્યાન ફિનસ્ટોક સહિત 81 એન્ટિટીઓ પર 5 લાખથી લઇને 25 લાખ સુધીનો દંડ ફટકાર્યો છે. આમ આ કસુરવાર એન્ટિટીઓને કુલ મળીને રૂ.6.55 કરોડનો દંડ કર્યો છે.
Web Title: Dhyana Finstock case: Sebi Imposes Rs 6.55 cr fine on 81 entities