પીએમ કેર્સ ફંડનું બેન્ક સ્ટેટમેન્ટ, 5 દિવસમાં 3076 કરોડનું દાન!

india-news
|

September 03, 2020, 9:54 AM

| updated

September 03, 2020, 10:58 AM


The PM Cares Fund received a donation of Rs 3,076 crore in just 5 days.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: પીએમ કેર્સ ફંડના દાન બાબતે વારંવાર સવાલો થતા હતા. વિપક્ષો પીએમ કેર્સ ફંડના ડોનેશન બાબતે પારદર્શકતાની માગણી કરતા હતા. એ દરમિયાન સરકારે ઓડિટ રીપોર્ટ જાહેર કર્યો હતો. રીપોર્ટ પ્રમાણે પીએમ કેર્સ ફંડ શરૂ થયું તેેના પાંચ જ દિવસમાં ૩૦૭૬ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.

કેન્દ્ર સરકારે વિગતો જાહેર કરી હતી એ પ્રમાણે ૨૭મી માર્ચે પીએમ કેર્સ ફંડની શરૂઆત થઈ હતી. તેના પાંચ જ દિવસમાં દુનિયાભરમાંથી એમાં ૩૦૭૬ કરોડ રૂપિયાનું ફંડ એકઠું થયું હતું. ૩૧મી માર્ચે પીએમ કેર્સ ફંડના બેંક એકાઉન્ટમાં ૩૦૭૬ કરોડ રૂપિયા એકઠાં થયા હતા. એમાંથી ૩૦૭૫.૮૫ કરોડ રૂપિયા દેશમાંથી મળ્યા હતા, જ્યારે ૩૯.૭૬ લાખ રૂપિયા વિદેશથી દાન પેટે મળ્યા હતા.

સ્ટેટમેન્ટમાં કહેવાયું હતું એ પ્રમાણે ૨.૨૫ લાખ રૂપિયાના ફંડ સાથે પીએમ કેયર્સની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીમાં ૩૫ લાખ રૂપિયા વ્યાજ પેટે જમા થઈ ચૂક્યા છે. પીએમ કેર્સની વેબસાઈટમાં જાહેર કરાયેલા ઓડિટ રીપોર્ટમાં જોકે, ડોનર્સના નામ જાહેર થયા ન હતા. સરકારે ઘરેલું અને વિદેશી ડોનર્સ અંગે વધુ વિગતો આપી ન હતી. ૨૦૨૦ નાણાકીય વર્ષ પ્રમાણે આ અહેવાલ અપાયો હતો.

આ મુદ્દે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે સરકારની ટીકા કરી હતી. ચિદમ્બરમે કહ્યું હતું કે બીજી બધી જ સંસ્થાઓ માટે દાતાઓની યાદી જાહેર કરવી ફરજિયાત છે. દેશની મોટી-નાની બધી જ સંસ્થાઓ ડોનેશન્સની વિગતો જાહેર કરે છે, ત્યારે પીએમ કેર્સ ફંડના દાતાઓની વિગતો કેમ જાહેર કરવામાં આવી નથી?

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે બીજા બધા ટ્રસ્ટ માટે જે નિયમો ફરજિયાત છે એ ટ્રસ્ટ હોવાના કારણે પીએમ કેર્સ ફંડને પણ લાગુ પડે છે. તેમ છતાં એ નિયમોનું પાલન કેમ થયું નથી? સરકાર દેશ અને વિદેશના દાતાઓ વિશે માહિતી જાહેર કરે એવી માગણી તેમણે કરી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી વચ્ચે પીએમ કેર્સ ફંડની શરૂઆત થઈ હતી. પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે તેની સ્થાપના થઈ હતી.કોરોના જેવી મહામારી વખતે આર્થિક મદદ મેળવીને જરૂરતમંદ સુધી પહોંચાડવાનો હેતુ એ પાછળ રખાયો હતો. જોકે, તે બાબતે અવારનવાર વિપક્ષોએ સવાલો ઉઠાવ્યા હતા.

Web Title: Bank statement of PM cares fund, donation of Rs 3076 crore in five days!