પ્રથમ વાર દ્વારકા સહિત મંદિરોમાં ભગવાનના 5247માં જન્મોત્સવની ઉજવણી ભક્તો વિના થઈ

vyaapaarsamachar.com

અમદાવાદ: ભગવાન શ્રી કૃષ્ણની જયંતિ એવું જન્માષ્ટમીનું પર્વ આવતીકાલે આસૃથા-ઉલ્લાસપૂર્વક ઉજવાઈ. યાત્રાધામ દ્વારકામાં જગપ્રસિદ્ધ દ્વારકાિધશજી મંદિરે આ વખતે જન્માષ્ટમીએ ભગવાન કૃષ્ણનો 5247મો જન્મોત્સવ ઉજવાઈ ગયો.  સામાન્ય રીતે જન્માષ્ટમી વખતે રાત્રે 12ના ટકોરે જ મંદિરો ‘નંદઘેર આનંદ ભયો…જય કનૈયાલાલ કી..’ના જયઘોષથી ગૂંજી ઉઠતા હોય છે. પરંતુ વર્ષ 2020ના પ્રારંભ સાથે જ ‘વિલન’બનીને ત્રાટકેલા કોરોના વાયરસને પગલે આ વખતે દ્વારકાધીશ, ડાકોર સહિત મોટાભાગના તમામ મંદિરોમાં ભક્તો વિના જ આ વખતે જન્માષ્ટમીની ઉજવણી થઈ. ભક્તોને આ વખતે ઘરે બેઠા જ કૃષ્ણ જન્મની ઉજવણી કરવી પડી. 

કોરોના વાયરસને પગલે ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરને 10 થી 13 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયેલો છે.  બીજી તરફ કોરોનાના કેસ વધતા ડાકોરનું રણછોડરાયજી મંદિર 20 જુલાઇથી અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવેલું છે.

અરવલ્લી જિલ્લાના શામળાજીના દ્વાર દર્શનાર્થી માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમાં મટકી ફોડ સહિતના કોઇ આયોજન કરવામાં આવ્યા નહોતા. અમદાવાદનું પ્રસિદ્ધ જગન્નાથ મંદિર, ઈસ્કોન મંદિર, ભાડજનું હરેકૃષ્ણ મંદિર પણ જન્માષ્ટમી-નોમ દરમિયાન દર્શનાર્થીઓ માટે બંધ રહ્યું હતું. ઈસ્કોન મંદિરમાં સવારે 4:30ના મંગળા આરતી ત્યારબાદ 7:30 કલાકે ભગવાનના નવા વસ્ત્રોના શ્રૂંગાર દર્શન થયા હતા.

ઈસ્કોન મંદિરના પ્રવક્તા હરેશ ગોવિંદ દાસજીએ જણાવ્યું કે, ‘આ વર્ષે કોરોનાને કારણે મંદિરમાં લોકોમાં સામાજિક અંતર-જાહેર નિયંત્રણ ના જળવાય તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જન્માષ્ટમીના દિવસે જે પણ વિધિ-વિધાન તથા પૂજા થશે તેનું લાઇવ દર્શન ભક્તો ઘરે બેઠા ઈસ્કોન અમદાવાદના ફેસબૂક-યુ ટયુબ પેજ પર કરી શકાશે. ‘ મણિપુરના ઈસ્કોન મંદિરે પણ ભક્તો વિના જ જન્માષ્ટમીની ઉજવણી થઈ હતી.

Manipur: ISKCON Temple in Imphal wore a deserted look yesterday on the occasion of Krishna Janmashtami as the entry was closed for the public in view of COVID-19 pandemic. pic.twitter.com/ed3eAMGtHR

— ANI (@ANI) August 12, 2020

અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલી કલ્યાણપુષ્ટિ હવેલીમાં દર વર્ષે જન્માષ્ટમીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં બાળ ગોપાલના દર્શન કરવા ભક્તો ઉમટી પડતા હોય છે. જોકે, આ વર્ષે કોરોનાને પગલે કોઇ પણ આયોજન કરાયું નથી.  ભગવાન કૃષ્ણનો જન્મ આઠમની રાત્રે 12 વાગે રોહિણી નક્ષત્રમાં થયો હતો. પરંતુ આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી રોહિણી નક્ષત્ર વિના આઠમના સહારે જ ઉજવાયો હતો.

આ અંગે જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, ‘ આ વર્ષે 13 ઓગસ્ટ-ગુરૂવારે વહેલી સવારે 3:27થી રોહિણી નક્ષત્ર શરૂ થાય છે અને 14 ઓગસ્ટની વહેલી સવારે 5:22ના પૂર્ણ થાય છે. આમ, આ વર્ષે આઠમની તિથિને લઇએ તો રોહિણી નક્ષત્ર મળતું નથી અને રોહિણી નક્ષત્ર લઇએ તો આઠમની તિથિ મળતી નથી. ખુશીની વાત એ છે કે કૃષ્ણ જન્મ બાદ નોમના પારણાના દિવસે 13 ઓગસ્ટના ગુરૂવારે રોહિણી નક્ષત્રમાં જ કાનુડાને બત્રીસી પકવાનનો થાળ ધરાવી શકાશે.’

અમદાવાદના કયા મંદિરોમાં શું આયોજન ?

* જગન્નાથ મંદિરમાં ભક્તોને પ્રવેેશ નહીં પણ કૃષ્ણ જન્મોત્સવનું આયોજન ભવ્ય રીતે થઈ. ભગવાન માટે રેશમવર્ક ટીક્કી, સ્ટોન વર્ક વાળા લાલ રંગના રજવાડી વાઘા તૈયાર કરાયા હતા. 

* ઈસ્કોનમાં ભક્તો માટે માત્ર ઓનલાઇન દર્શનની વ્યવસ્થા. જે ભક્તો મંદિરમાં રહે છે તે જ મંદિરમાં યોજાનારી પૂજા વિધિમાં સામેલ થશે. ભગવાન કૃષ્ણના જન્મ સુધી 20 કલાક ધૂન-ભજન કીર્તનનું આયોજન.

* ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં ભક્તો માત્ર ઓનલાઇન દર્શન. 1 કલાકમાં 20 આમંત્રિત મહેમાનો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા. 

* વલ્લભસદન, વસ્ત્રાપુર ખાતે આવેલી કલ્યાણપુષ્ટિ હવેલીમાં ભક્તોને પ્રવેશ નહીં. 

*  ખાડિયાના રણછોડરાયજી મંદિરમાં પણ ભક્તો વિના જ ઉજવણી.

મંદિરોએ શું-શું ધ્યાન રાખવાનું?

(1) પ્રવેશ દ્વારે મુલાકાતીને સેનેટાઇઝર આપી થર્મલ સ્ક્રીનીંગ કરવું જરૂરી. માસ્ક પહેરેલો હોવો જોઇએ. છૂટક-છૂટક પ્રવેશ આપવો. લાઇનમાં એકબીજા વચ્ચે અંતર રહે તેવું ગોઠવવું.

(2) શક્ય હોય ત્યાં સુધી બાળકો, પ્રસુતા અને વૃધ્ધોને પ્રવેશ ના આપવો. ભાવિકો પગરખા તેમના વાહનમાં જ મૂકીને આવે અથવા અલગ-અલગ ગોઠવરાવવા.

(3) પાન-મસાલા અને થુંકવા પર પ્રતિબંધ મૂકવો. પ્રસાદ, ચરણામૃત, જળાભિષેક પર પ્રતિબંધ રાખવો. ધાર્મિક સામગ્રી કે પુસ્તકનું વેચાણ ના કરવું. સમુહ ભોજનાલયોમાં ડિસ્ટન્ટ  જલવાય તે ખાસ ધ્યાન રાખવું.

અમદાવાદમાં કયા મંદિરો જન્માષ્ટમીએ બંધ રહ્યા?

(1) જગન્નાથ મંદિર, જમાલપુર, (2) રાધાકૃષ્ણ મંદિર, શાહીબાગ, (3) રણછોડરાયજીનું મંદિર, સારંગપુર, (4) ગણપતિ મંદિર, લાલદરવાજા, (5) વલ્લભસદન, આશ્રમ રોડ, (6) કામેશ્વર મહાદેવ, નારણપુરા, (7) સ્વામિનારાયણ મંદિર, રામોલ, (8) સ્વામિનારાયણ મંદિર, વિરાટનગર, (9) રામજી મંદિર, વસ્ત્રાલ, (10) શ્રીનાથજી મંદિર, વસ્ત્રાલ, (11) લાંગડીયા હનુમાન, વિરાટનગર, (12) રામેશ્વર મહાદેવ, વિરાટનગર, (13) સિધ્ધિવિનાયક, ગોમતીપુર, (14) બાલા હનુમાન, વિરાટનગર, (15) ચકુડિયા મહાદેવ, ગોમતીપુર, (16) વ્રજધામ હવેલી, જોધપુર, (17) રણછોડરાયજી મંદિર, વેજલપુર, (18) ગોકુલનાથ હવેલી, દક્ષિણ ઝોન, (19) વૈકુંઠધામ મંદિર, દિક્ષિણ ઝોન.