બદલાઈ જશે વસ્તુઓની ખરીદ-વેચાણની પદ્ધતિ, સરકારે લાગુ કર્યા આ નિયમ

india-news
|

July 25, 2020, 3:56 PM

| updated

July 25, 2020, 4:01 PM


The method of buying and selling of goods will change, this rule applied by the government.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : ગત 20 જુલાઈના રોજ સરકારે ગ્રાહકો માટે એક નવો કાયદો લાગુ કર્યો હતો. આ નવા કાયદાના કારણે ગ્રાહકોને પહેલાની સરખામણીએ ઘણા વધારે અધિકારો મળી રહ્યા છે. આ કાયદા અંતર્ગત ઈ-કોમર્સ કંપનીઓને પણ સમાવી લેવામાં આવી છે. જો કે ઈ-કોમર્સ કંપનીઓ સાથે જોડાયેલા નવા નિયમોને હવે નોટિફાઈ કરવામાં આવ્યા છે.

આ નિયમોમાં સામાન વેચવાની પદ્ધતિ બદલવામાં આવી છે. તો ચાલો જાણીએ ઈ-કોમર્સ કંપનીઓ સાથે જોડાયેલા નવા નિયમો અંગે વિસ્તારમાં…

નવા નિયમ પ્રમાણે વિક્રેતાએ પોતાના ઉત્પાદનો પર સામાન કયા દેશમાં બન્યો છે તે દર્શાવવું પડશે. આ નવો નિયમ ભારત કે વિદેશમાં રજિસ્ટર્ડ હોય પરંતુ ભારતીય ગ્રાહકોને સામાન અને સેવાઓ આપતા હોય તેવા તમામ વિક્રેતાઓ પર લાગુ થશે.

નવા નિયમ પ્રમાણે ઈ-કોમર્સ કંપનીઓએ વેચાણ માટે રાખવામાં આવેલો સામાન અને સેવાઓની કુલ કિંમત સાથે અન્ય ખર્ચાઓનું સંપૂર્ણ વિવરણ આપવાનું રહેશે. આ સાથે જ તેમણે એ પણ બતાવવું પડશે કે વસ્તુની અવધિ ક્યારે સમાપ્ત થશે, મતલબ કે તેની એક્સપાયરી તારીખ શું છે.

તે સિવાય વસ્તુઓ અને સેવાઓની ઉત્પત્તિ કયા દેશમાં થઈ, તેના અંગે પણ પ્રમુખતાથી જાણકારી આપવી પડશે જેથી ગ્રાહક વસ્તુ કે સેવાઓ ખરીદતા પહેલા સંપૂર્ણ જાણકારી મેળવીને નિર્ણય લઈ શકે.

જે વિક્રેતાઓ ઈ-કોમર્સ કંપનીઓના માધ્યમથી વસ્તુઓ અને સેવાઓના વેચાણની રજૂઆત કરે છે તેમણે ઈ-કોમર્સ કંપનીઓને આ જાણકારી આપવી પડશે જેથી કંપનીની વેબસાઈટ પર તેને પ્રમુખતાથી દર્શાવી શકાય.

ઈ-કોમર્સ કંપનીઓને અયોગ્ય રીતે લાભ કમાઈ લેવા તેમના મંચ પર રજૂ થયેલી વસ્તુઓ અને સેવાઓના ભાવમાં ગરબડ કરવાની અને ગ્રાહકો સાથે ભેદભાવ કરવાની કે મનફાવે તે રીતે ગ્રાહકોને વહેંચવાની મંજૂરી નહીં મળે.

તે સિવાય ઈ-કોમર્સ કંપનીઓએ ચુકવણી માટેની ઉપલબ્ધ પદ્ધતિઓ અને તેની સુરક્ષા અંગે પણ સંપૂર્ણ જાણકારી આપવી પડશે. નવા કાયદા અંતર્ગત ઈ-કોમર્સ કંપનીઓએ વિક્રેતા અંગે જાણકારી, તેમનું એડ્રેસ, ગ્રાહકો માટે સંપર્ક નંબર વગેરે પણ આપવું પડશે. તે સિવાય જો વિક્રેતાનું કોઈ રેટિંગ હોય તો તે અંગે પણ ગ્રાહકોને સૂચના આપવી પડશે.

આ માટે એવી વ્યવસ્થા કરવી પડશે કે જેથી ગ્રાહકો પોતાની ફરિયાદની સ્થિતિ અંગે જાણી શકે. તે સિવાય નિયમોના ઉલ્લંઘન સામે દંડ સહિત જેલની જોગવાઈ પણ કરવામાં આવી છે. જો કે સરકારે આ નિયમો એવા સમયે લાગુ કર્યા છે કે દેશમાં ચીની વસ્તુઓના બહિષ્કારનું અભિયાન ચાલી રહ્યું છે. આ કારણે ચીનની મુશ્કેલીઓ વધી શકે છે તે સ્પષ્ટ છે.

Web Title: The method of buying and selling of goods will change