બેંકોની બેડલોન(NPA) 20 વર્ષમાં સૌથી વધુ રહેશે: RBI

vyaapaarsamachar.com

અમદાવાદ : છેલ્લા પાંચેક વર્ષથી એનપીએનાઅ ડુંગર તળિયે દબાયેલ ભારતીય બેંકિંગ સેક્ટર માટે કોરોના ઈતિહાસનો સૌથી કપરોકાળ બનવા જઈ રહ્યો છે. આર્થિક મહામંદી સમયે પણ ન સર્જાઈ હોય તેવી સ્થિતિ મંદ અર્થતંત્ર બાદ હવે કોરોનાને પગલે સર્જાવાના એંધાણ છે.

ભારતની સેન્ટ્રલ બેંક, RBIએ જ એક રીપોર્ટમાં કબૂલ્યું છે કે નબળી બેંકિંગ સિસ્ટમ પર કોરોનાની ઘાતક અસર થવા જઈ રહી છે. અગાઉ જ સ્ટ્રેસનો સામનો કરી રહેલ બેંકિંગ જગતને આગામી વર્ષમાં ભારે ફટકો પડશે.

જુલાઈ, 2020ના ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રીપોર્ટમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આશંકા વ્યકત કરી છે કે બેંકોની ગ્રોસ બેડ લોન એટલેકે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ(NPA) બે દશકમાં સૌથી વધુ રહેશે. કોરોનાને કારણે થયેલ અર્થતંત્રની ખાનાખરાબી અને લોકડાઉનને પગલે ઠપ્પ થયેલ ધંધા-રોજગાર દબાણ અનુભવી રહેલ બેંકિંગ જગતને હવે ખાડામાં ધકેલશે.

સરકારે આરબીઆઈ સાથે મળીને વિશ્વના સૌથી મોટા અને લાંબા લોકડાઉનમાં લોનધારકોને રાહત આપવા માટે આપેલ લોન મોરેટોરિયમની સુવિધા મહદઅંશે કામ કરશે પરંતુ, ટૂંકા ભવિષ્યમાં સમગ્ર અર્થતંત્ર પાટે ચઢતા વાસ્તવિક ચિત્ર સામે આવશે અને તે બેંકો માટે ભયાવહ સાબિત થઈ શકે છે.

RBIના FSRમાં ટાંક્યા મુજબ ‘ખૂબ જ ખરાબ સ્થિતિ’માં બેંકોના ગ્રોસ એનપીએ માર્ચ, 2021ના રોજ કુલ બેંકિંગ લોનના 14.7% થવાની આશંકા છે. માર્ચ, 2020માં આ રેશિયો 8.5% હતો,જે ‘સામાન્ય સ્થિતિ’માં માર્ચ, 2021ના અંતે 12.5% રહેશે.

RBIનો આ ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રીપોર્ટ 53 શિડ્યુઅલ કોમર્શિયલ બેંકની બેલેન્સશીટને પણ આવરી લે છે. RBIના આંકડા અનુસાર અત્યારસુધીનો ગ્રોસ એનપીએનો સૌથી ખરાબ આંકડો માર્ચ, 2020માં 12.7%નો હતો. સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સના 30 જુનના રીપોર્ટમાં પણ આશંકા વ્યકત કરાઈ હતી કે બેંકના ગ્રોસ એનપીએ 13-14%ની વચ્ચે રહી શકે છે.

RBIના સ્ટ્રેસ ટેસ્ટ મુજબ અગાઉના બેઝલાઈન સિનારિયો મુજબ 11.3%ના ગ્રોસ એનપીએની આશંકાની સામે હવે કોરોનાને પગલે માર્ચ, 2021માં 15.2%ની આગાહી કરવામાં આવી છે અને ખૂબ જ ખરાબ સ્થિતિમાં આ આંકડો 16.3% સુધી વધી શકે છે.

માત્ર ભારત નહિ પરંતુ, વૈશ્વિક અર્થતંત્રની પણ કથળતી જતી સ્થિતિને કારણે ભારતની ખાનગી અને ફોરેન બેંકોની બેડલોનમાં જોરદાર વધારો થવાની ભીતિ છે.

દેશનો વિકાસદર પણ ગગડશે :

રીઝર્વ બેંકના રીપોર્ટ અનુસાર બેઝલાઈન સ્થિતિમાં દેશનો વિકાસદર 4.4% સુધી ઘટી શકે છે અને વધુ ખરાબ સ્થિતિમાં ભારતનો જીડીપી દર -8.9% સુધી પણ ગગડી શકે છે.

સરકારના સાથની પડશે જરૂર :

બેંકોના વધુ પ્રોવિઝન અને વધુ ડિફોલ્ટને પગલે મૂડીનું ધોવાણ થશે. બેંકોના કેપિટલ રેશિયો પણ ઘટશે તેથી બેંકોને સરકારના હેલ્પિંગ હેન્ડની જરૂર પડશે. નાણાંકીય વર્ષ 2019-20ના અંતે જોવા મળેલ 14.6%નો કેપિટલ એડિકવન્સી રેશિયો માર્ચ, 2021માં 13.3% સુધી ઘટશે,તેમ RBIએ નોંધ્યું છે. વધુને વધુ ખરાબ સ્થિતિમાં આ રેશિયો 11.8% સુધી ઘટી શકે છે.

બેંકિંગ સિસ્ટમનો કોમન ઈક્વિટી ટિયર-1 એટલેકે CET-1 કેપિટલ રેશિયો ગત વર્ષના 11.7%ની સામે બેઝલાઈન સ્થિતિમાં 10.7% અને ખૂબ જ કપરી સ્થિતિમાં 9.4% સુધી ઘટી શકે છે.

READ MORE : 

Web Title: Bank NPAs Could Rise To Highest In 20 Years: RBI Financial Stability Report