ભારતમાં કોટનના સ્ટોકનો અંદાજ અમેરિકાએ ઊંચો બતાવતા ફરિયાદ

www.vyaapaarsamachar.com

મુંબઈ : મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવ વિશ્વબજાર પાછળ ઊંચકાયા હતા, સામે માગ પણ વધી હતી. મુંબઈ બજારમાં આજે પામતેલમાં 20થી 30 સપ્ટેમ્બરની ડિલિવરી માટે રૂ.861થી રૂ.863ની રેન્જમાં આશરે 1400થી 1500 ટનના વેપાર થયા હતા, ઉપરાંત રેડી ડિલિવરીમાં હવાલા તથા રિસેલમાં આશરે 150થી 200 ટનના વેપાર થયા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં મલેશિયા ખાતે આજે પામતેલનો દૂરનો વાયદો 80થી 85 પોઈન્ટ ઊછળ્યો હતો તથા ત્યાં પામ પ્રોડક્ટના ભાવ પાંચ ડોલર ઊંચકાયા હતા. ત્યાં ભાવ વધી સાત મહિનાની ટોચે પહોંચ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, ભારતમાં રૂનો સ્ટોક કેટલો સિલ્લક છે, એ વિશે અમેરિકાની એજન્સી તથા ભારતના કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા વચ્ચે મતમતાંતરો ઊભા થયાના સમાચાર મળતા હતા. અમેરિકાના કૃષિ વિભાગ દ્વારા ભારતમાં રૂના સ્ટોકનો અંદાજો 12.50 મિલિયન બેલ્સ બતાવાયો છે, જ્યારે કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયાના અંદાજ મુજબ ભારતમાં આવો સ્ટોક 11.50 મિલિયન બેલ્સ બતાવાયો છે.

અમેરિકાની એજન્સીએ ભારતનો સ્ટોક વધુ પડતો ઊંચો બતાવતા કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ આની વિરૂદ્ધમાં અમેરિકાની એજન્સીને રજૂઆત કરી છે તથા ભારત સરકારને પણ રજૂઆત કરી હોવાનું બજારના જાણકારોમાંથી જાણવા મળ્યું છે. મુંબઈ બજારમાં આજે કપાસિયા તેલના ભાવ આજે ઘટી રૂ.922 બોલાયા હતા, જ્યારે ઉત્પાદક મથકોએ કોટન વોશ્ડના ભાવ રૂ.875થી રૂ.878 બોલાઈ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે કપાસિયા ખોળના 1 ટનના રૂ.500 ઘટયા હતા, જ્યારે અન્ય ખોળો શાંત હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે 10 કિલોના ભાવ સિંગતેલના રૂ.1260, પામતેલના રૂ.868થી રૂ.870, સોયાતેલ ડીગમના રૂ.850 તથા રિફાઈન્ડના રૂ.890, સનફ્લાવરના રૂ.975 તથા રિફાઈન્ડના રૂ.1010, મસ્ટર્ડના રૂ.1090 બોલાતા હતા. ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ) કંડલાના ભાવ વધી રૂ.778 રહ્યા હતા, જ્યારે વાયદા બજારમાં પણ સાંજે ભાવ વધી સીપીઓ વાયદાના રૂ.776.50 તથા સોયાતેલ વાયદાના રૂ.895 રહ્યાના સમાચાર હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે હાજર દિવેલના ભાવ રૂ.2 વધી રૂ.842થી રૂ.862 રહ્યા હતા, જ્યારે હાજર એરંડાના ભાવ રૂ.10 વધી રૂ.4110 બોલાતા હતા. ઉત્પાદક મથકોએ આજે સિંગતેલના ભાવ રૂ.1225 તથા 15 કિલોના રૂ.1950થી રૂ.1960 રહ્યા હતા. દરમિયાન, ભારત દ્વારા મલેશિયા ખાતેથી આયાત થતા રિફાઈન્ડ પામતેલની ઈમ્પોર્ટ પરના અંકુશો હળવા કરવામાં આવશે એવી હવા આજે વિશ્વબજારમાં ચગી હતી અને તેના પગલે મલેશિયા ખાતે પામતેલના ભાવ વધુ ઊંચા ગયા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, અમેરિકાના કૃષિબજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીન વાયદો 74 પોઈન્ટ ઊંચકાયો હતો, જ્યારે સોયાતેલનો વાયદો 55 પોઈન્ટ વધ્યો હતો. અમેરિકામાં ચીનની ખરીદી જળવાઈ રહ્યાના સમાચાર હતા. જોકે, ત્યાં કોટનનો વાયદો 48 પોઈન્ટ ઘટયો હતો તથા આજે સાંજે પ્રોજેક્શનમાં સોયાતેલ વાયદાના ભાવ 34થી 35 પોઈન્ટ પ્લસમાં ચાલી રહ્યાના સમાચાર હતા