મંદી અને કોરોનાના બમણા મારની અસર, વ્હીકલ ટેક્સની આવક ઘટી
gujarat-samachar-news
|
August 02, 2020, 12:04 PM

vyaapaarsamachar.com
અમદાવાદ: અમદાવાદ મ્યુનિ.તંત્રની તિજોરી પર કોરોના સંક્રમણ બાદ હવે મંદીનો માર પડી રહ્યો છે.શહેરમાં વાહનોની ખરીદીમાં ઘટાડો થતાં મ્યુનિ.દ્વારા લેવામાં આવતા વ્હીકલ ટેકસની આવક ઘટી છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે જુલાઈ અંત સુધીમાં તંત્રને વ્હીકલ ટેકસ પેટે રૂપિયા 16 કરોડ આવક ઓછી મળી છે. મળતી માહીતી પ્રમાણે,શહેરમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં મ્યુનિ.ની આર્થિક સ્થિતિ કથળતા કરોડો રૂપિયાના પ્રોજેકટ સ્થગિત કરી દેવા પડયા છે.
બીજી તરફ શહેરમાં ચાર મહીના રહેલા લોકડાઉનને કારણે અનેક વ્યપાર-ઉદ્યોગોને મંદીનો માર પડયો છે.જેમાં ઓટોમોબાઈલ સેકટરનો પણ સમાવેશ થાય છે.આ સમયગાળામાં અમદાવાદમાં લોકોએ વાહન ખરીદી પર બ્રેક લગાવતા મ્યુનિ.ને વ્હીકલ ટેકસની આવક ઓછી મળી છે.
1 એપ્રિલથી 27 જુલાઈ સુધીમાં મ્યુનિ.નેે વ્હીકલ ટેકસ પેટે રૂપિયા 9,06,97,555 આવક થઈ છે.ગત વર્ષે આ સમયગાળામાં મ્યુનિ.ને રૂપિયા 25,90,54,820ની આવક થઈ હતી.મ્યુનિ.સુત્રોના કહેવા અનુસાર,ગત વર્ષે એપ્રિલથી જુલાઈ સુધીના સમયમાં શહેરીજનો સરેરાશ રોજના 589 વાહનો ખરીદતા હતા.
આ વર્ષે આ સમયગાળામાં રોજ સરેરાશ માત્ર 139 વાહનોની ખરીદી થવા પામી છે.ગત વર્ષે શહેરમાં એપ્રિલથી જુલાઈ સુધીમાં કુલ 69,549 વાહનો ખરીદાયા હતા.ગત વર્ષની તુલનામાં આ વર્ષે 53,182 વાહન ઓછા ખરીદાયા છે.નોંધનીય છે કે,વ્હીકલ ટેકસ ભર્યા બાદ જ આર.ટી.ઓ.દ્વારા વાહનનું પાસીંગ કરાય છે.
Web Title: Vehicle tax revenue also declined as vehicle purchases declined