મલેશિયામાં ઉત્પાદન ઘટતા પામતેલના ભાવ વૈશ્વિક બજારોમાં ઉછળ્યા

commodity-news-india
|

July 22, 2020, 11:21 AM


Palm oil price rise at five-month high in global markets.jpg

vyaapaarsamachar.com

મુંબઈ: મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે આયાતી પામતેલ સહિતના વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવમાં વિશ્વબજાર પાછળ તેજી આગળ વધી હતી, સામે સિંગતેલ તથા કપાસિયા તેલના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં મલેશિયા ખાતે આજે પામતેલના ભાવ ઊછળી પાંચ મહિનાની ટોચે પહોંચ્યા હતા. મલેશિયામાં કોરોનાનો ઉપદ્રવ તથા ભારે વરસાદના પગલે ત્યાંના પામના ખેતરોમાં કામદારોની અછત વર્તાઈ રહી છે તથા તેના કારણે ઉત્પાદનને અસર પહોંચી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. પામતેલ પાછળ સોયાતેલના ભાવ પણ વિશ્વબજારમાં ઊછળ્યાના સમાચાર હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના વધી રૂ.૮૧૫થી રૂ.૮૧૭ બોલાયા હતા. જોકે, ઊંચા મથાળે નવી માગ પાંખી હતી. સામે હાજર માલની પણ અછત વર્તાઈ રહી હતી. ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ) કંડલાના ભાવ વધી રૂ.૭૧૮ બોલાયા હતા. જ્યારે વાયદા બજારમાં સીપીઓનો જુલાઈ વાયદો રૂ.૧૦ વધી સાંજે રૂ.૭૧૮ તથા સોયાતેલનો ઓગસ્ટ વાયદો ઉછળી રૂ.૮૫૪.૯૦ બોલાયો હતો, સામે સોયાબીનનો જુલાઈ વાયદો રૂ.૧૪ વધી રૂ.૩૮૦૦ રહ્યો હતો. મુંબઈ બજારમાં આજે સિંગતેલના ભાવ રૂ.૧૦ ઘટી રૂ.૧૩૨૦ રહ્યા હતા, જ્યારે ઉત્પાદક મથકોએ ભાવ રૂ.૧,૨૭૫ તથા ૧૫ કિલોના રૂ.૨,૦૩૦થી રૂ.૨,૦૪૦ બોલાઈ રહ્યા હતા. જોકે, મથકોએ કોટન વોશ્ડ ઊછળી રૂ.૮૧૫ બોલાતા મુંબઈ બજારમાં આજે કપાસિયા તેલ વધી રૂ.૮૬૦થી રૂ.૮૬૫ બોલાયું હતું.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે સોયાતેલના ભાવ વધી ડીગમના રૂ.૮૧૫, રિફાઈન્ડના રૂ.૮૩૫થી રૂ.૮૩૭, સનફ્લાવરના રૂ.૯૦૦ તથા રિફાઈન્ડના રૂ.૯૩૫ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૯૯૦ બોલાતા હતા, જ્યારે દિવેલના હાજર ભાવ રૂ.૪ ઘટી રૂ.૮૫૫થી રૂ.૮૭૫ તથા હાજર એરંડાના ભાવ રૂ.૨૦ ઘટી રૂ.૪૧૭૫ બોલાયા હતા.

એરંડા ઓગસ્ટ વાયદો આજે સાંજે રૂ.૧૮ ઘટી રૂ.૪,૦૦૦ રહ્યો હતો. મુંબઈ ખોળ બજારમાં આજે ૧ ટનના ભાવ સોયાખોળના રૂ.૨૦૦ વધ્યા હતા, જ્યારે અન્ય ખોળો શાંત હતા. દરમિયાન, વિશ્વબજારમાં મલેશિયા ખાતે આજે પામતેલનો વાયદો ૫૭ પોઈન્ટ વધ્યો હતો, જ્યારે ત્યાં પામ પ્રોડક્ટના ભાવ ૫ ડોલર ઊંચકાયા હતા. 

જોકે, મલેશિયા ખાતેથી પામતેલની કુલ નિકાસ જુલાઈના પ્રથમ ૨૦ દિવસમાં આશરે ૪થી ૫ ટકા ઘટી હોવાનું આઈટીએસના સૂત્રોએ જણાવ્યું હતું. પામતેલ વધતાં અમેરિકાના શિકાગો બજારમાં આજે સાંજે પ્રોજેક્શનમાં સોયાતેલનો વાયદો ૫૦ પોઈન્ટ ઊછળ્યાના સમાચાર મળ્યા હતા. યુરોપના દેશોએ પામતેલના વપરાશ પર અંકુશો મૂકતાં આ પ્રશ્ને મલેશિયા દ્વારા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં ફરિયાદ કરવા તખ્તો ગોઠવાઈ રહ્યાના સમાચાર મળ્યા હતા.

Web Title: Palm oil prices soared in global markets as production in Malaysia declined