રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ કલાક રાજકોટ અને જામનગર જિલ્લામાં છુટો છવાયો કમોસમી વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદની સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે.

One more round of heat from Sunday, six days of scorching heat forecast

પ્રતિકાત્મક તસવીર ( Image Source : PTI )

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના સ્થળો છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે. જો કે રવિવારથી છ દિવસ માટે તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાય તેવી શક્યતા છે. અમદાવાદમાં ગુરૂવારે દિવસ દરમિયાન 41.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદમાં આગામી બે દિવસ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. પરંતુ ત્યારબાદ ગરમીના જોરમાં ફરી વધારો થઈ શકે છે. અને તાપમાન 44 ડિગ્રીને પાર થાય તેવી શક્યતા છે.

ગુરૂવારે રાજ્યના અન્ય શહેરોમાં ગરમીના આંકડાની વાત કરીએ તો સુરેંદ્રનગરમાં સૌથી વધુ 42.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે રાજકોટમાં 41.3 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચ્યો હતો. ગાંધીનગર અને અમરેલીમાં ગરમીનો પારો 40.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે ભૂજમાં ગરમીનો પારો 40.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. વડોદરામાં ગરમીનો પારો 40.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે ડિસામાં ગરમીનો પારો 39 ડિગ્રી પર પહોંચ્યો હતો. આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીને નીચે નોંધાયો હતો.

ભર ઉનાળે વરસાદની આગાહી

ભરઉનાળામાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ કલાક રાજકોટ અને જામનગર જિલ્લામાં છુટો છવાયો કમોસમી વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદની સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે.

આંદામાન પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન વાવાઝોડામાં ફેરવાવાની શક્યતા છે. જેથી અરબી સમુદ્ર અને ઓડિશા સહિતના રાજ્યોને અસર થશે. જો કે તેની અસર ગુરૂવારથી જ શરૂ થઈ ગઈ હતી.

ગુરૂવારે સાંજે રાજકોટના કોટડા સાંગાણી અને ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. શાપર-વેરાવળ, રીબડા, પારડી, પીપળા, ગુંદાસરા ગામમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો.ગુરૂવારે સાંજે સાંજે વાતાવરણમાં પલટા સાથે વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં પણ ઉનાળુ પાક બચાવવા માટે ભાગદોડ મચી તી.

હાલ ખેતરમાં મોગલ અને  લસણ સહિતના ઉનાળુ પાક ખેતરમાં છે. ત્યારે ખેડૂતોએ પોતાના પાકને પલળતા બચાવવા દોડ્યા હતા. અચાનક વરસેલા વરસાદથી કેટલાક સ્થળો પર લસણના તૈયાર પાથરા પણ પલળી ગયા હતા. જેથી ખેડૂતોને નુકસાન થવાની ભીતી છે.

તો આ તરફ જામનગરના કાલાવડ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કાલાવડ તાલુકાના ખરેડી, નાના વડાળા, ગુંદા, મેટિયા અને શ્રીજીનગર સહિતના વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસતા મગ, તલ, ડુંગળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું હતુ.


Tags:
Heatwave
summer
rain forecast
Gujarat weather
Heat
Meteorological Department