રાજ્યમાં આ ચોમાસાનો સરેરાશ 41 ટકા વરસાદ નોંધાયો

gujarat-samachar-news
|

July 29, 2020, 3:19 PM


Gujarat State received an average of 41% rainfall this monsoon.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ: ગુજરાતમાં આ વખતે ચોમાસાની મોસમે સારી શરૃઆત કરી છે અને અત્યારસુધી ૧૩.૨૩ ઈંચ સાથે મોસમનો ૪૦.૪૫% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેની સરખામણીએ ગત વર્ષે ૨૮ જુલાઇ સુધી રાજ્યમાં ૧૦.૪૭ ઈંચ સાથે ૩૨.૬૦% વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૧ ઓગસ્ટ બાદ ગુજરાતમાં વધુ સારો વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ સૌથી વધુ છે. જેમાં સૌરાષ્ટ્રમાં ૧૮.૫૪ ઈંચ સાથે મોસમનો ૬૯.૬૨%, કચ્છમાં ૧૪.૪૪ ઈંચ સાથે મોસમનો ૮૮.૯૭% વરસાદ નોંધાયેલો છે. કચ્છમાંથી ગત વર્ષે ૨૮ જુલાઇ સુધી માંડવીમાં ૧.૧૦ ઈંચ-ગાંધીધામમાં ૦.૩૯  ઈંચ વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીમાં આ વખતે માંડવીમાં ૨૭.૧૬ ઈંચ સાથે મોસમનો ૧૬૧.૮૧%, ગાંધીધામમાં ૧૨.૮૩ ઈંચ સાથે મોસમનો ૮૧.૨૪% વરસાદ પડી ચૂક્યો છે. દરમિયાન મંગળવારે વેધર વોચ ગૂ્રપનો વેબિનાર યોજાયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘ગુજરાતમાં હજુ સુધી ૩૩૬.૧૭ મીમી વરસાદ થયો છે. જે પાછલા ૩૦ વર્ષની રાજ્યની સરેરાશ ૮૩૧ મીમીની સરખામણીએ ૪૦.૪૫%  છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ જિલ્લાના કુલ ૪૭ તાલુકામાં સરેરાશ ૨.૫૯ મીમી વરસાદ નોંધાયો છે. ‘

આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ‘ગુજરાતમાં હજુ સુધી મોસમનો લગભગ ૪૧% વરસાદ થયેલો છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેના પગલે ૧ ઓગસ્ટ બાદ ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત-મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસમાં નવસારી-વલસાડના કેટલાક વિસ્તારો, પોરબંદર-જુનાગઢ-દેવભૂમિ દ્વારકા-ગીર સોમનાથ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. ‘

કૃષિ વિભાગે જણાવ્યું છે કે, ‘આ વર્ષે અંદાજે ૭૦.૨૭ લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળામાં ૫૮.૧૭ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ૩વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૮૨.૭૮% વાવેતર થયું છે. ‘ 

સિંચાઇ વિભાગે જણાવ્યું છે કે, ‘સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી ૧૧૯.૮૬ મીટર છે તેમજ ૧૭૨૯૭૩ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના ૫૧.૭૮% છે તેમજ ૧૧૨૬૭ ક્યુસેક પાણીની આવક થયેલ છે. રાજ્યના ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨૭૯૧૫૯ એમ.સી.એફ.ટી. છે, જે કુલ સંગ્રહ શક્તિના ૫૦.૧૪% છે. હાલ રાજ્યમાં કુલ ૬૬ જળાશયો એલર્ટ પર છે. 

કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ?

જિલ્લો           વરસાદ  સરેરાશ

દેવભૂમિ દ્વારકા  ૪૧.૮૧ ૧૬૫.૯૯%

પોરબંદર       ૩૧.૪૧ ૧૧૪.૨૭%

જામનગર      ૨૬.૪૫ ૧૦૫.૨૫%

જુનાગઢ        ૨૩.૭૪ ૬૭.૪૬%

વલસાડ        ૨૨.૪૦ ૨૫.૨૮%

ગીર સોમનાથ  ૨૨.૩૨ ૬૦.૪૯%

સુરત            ૨૦.૦૦  ૩૬.૨૭%

(*વરસાદના આંકડા ઈંચમાં છે.)

Web Title: The state received an average of 41 per cent rainfall this monsoon