રામમંદિર ભૂમિ પૂજનનું માત્ર 32 સેકન્ડનું શુભ મુહુર્ત, PM મોદી રાખશે ઈંટ

india-news
|

August 04, 2020, 12:59 PM


Auspicious moment of just 32 seconds of Ram Mandir Bhumi Pujan.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજનનો મુખ્ય કાર્યક્રમ 5 ઓગસ્ટથી શરૂ થશે. જોકે, ભૂમિપૂજન માટેની ધાર્મિક વિધિઓ સોમવારથી જ શરૂ થઈ ગઈ છે. તેની શરૂઆત ગૌર-ગણેશ પૂજનથી થઈ હતી. મંગળવારે રામર્ચા પૂજા થશે, પરંતુ મુખ્ય પૂજા 5 ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુભ મુહૂર્તમાં કરવામાં આવશે. આ મુહૂર્ત 32 સેકંડનું જ છે, જે 12 કલાક 44 મિનિટ 8 સેકંડ અને 12 કલાક 44 મિનિટ 40 સેકંડની વચ્ચે છે. આ મુહૂર્તની વચ્ચે વડા પ્રધાન ચાંદીની ઇંટથી રામ મંદિરનો શિલાન્યાસ કરશે.

મુહુર્ત અંગે વિપક્ષનો વિવાદ

કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે ભૂમિ પૂજન માટેના શુભ મુહૂર્ત અંગે સવાલો ઉઠાવ્યા છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે રામ મંદિરનો કાર્યક્રમ શુભ મુહૂર્તમાં નથી થઈ રહ્યો. આ જ કારણ છે કે ગૃહ મંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ થઈ ગયા. ઉત્તર પ્રદેશ બીજેપીના અધ્યક્ષ સ્વતંત્ર સિંહ પણ સંક્રમિત છે. ઉત્તર પ્રદેશની કેબિનેટ મંત્રી કમલા રાની વરૂણનું નિધન થઈ ગયું. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ સંક્રમિત છે. કર્ણાટકના મુખ્યમંત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. દિગ્વિજય સિંહે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અપીલ પણ કરી છે કે વડાપ્રધાનને આવું કરવાથી રોકો.

CM યોગીનો પલટવાર

બીજી તરફ, દિગ્વિજય સિંહના ટ્વિટ પર વળતો હુમલો કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, કૉંગ્રેસને પોતાની અંદર જોવું જોઈએ. તેઓ નથી ઈચ્છતા કે તે સ્થળે રામ મંદિરનું શિલાન્યાસ થાય જ્યાં રામનો જન્મ થયો હતો. તેઓ આ વિવાદનો ઉકેલ થાય તેવું ઈચ્છતા જ નથી. કૉંગ્રેસ હંમેશાથી જ જાતિ, ધર્મ તથા મતના આધારે લોકોને વિભાજિત કરવા માંગે છે.

રામલલાના પોશાક અંગે વિવાદ

રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે અમુક લોકો પીએમ નરેન્દ્ર મોદીને લઈ એટલા પરેશાન છે કે તેઓ પોતાના સપનામાં પણ તેમને જુએ છે અને તેના કારણે ઊંઘ ઉડી જાય છે. આ પ્રકારના લોકો ભગવાન રામના કપડાને પીએમ મોદી સાથે જોડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ભગવાન રામનો ડ્રેસ નક્કી કરવાનું કામ વડા પ્રધાન કાર્યાલય (PMO), મુખ્યમંત્રી કાર્યાલય અથવા ટ્રસ્ટનું નથી. પુજારી ભગવાન રામના વસ્ત્રોનો રંગ દિવસ પ્રમાણે નક્કી કરે છે. આ એક નિશ્ચિત પ્રક્રિયા છે. તે કોઈના દબાણમાં આવીને કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવતા નથી.

Web Title: Only auspicious moment of 32 seconds of Ram Mandir Bhumi Pujan, PM Modi will lay bricks