રિલીફ રોડની શાન સમા મૂર્તિમંત કોમ્પલેક્સની 120 દુકાનો સીલ કરાઈ

world-news
|

August 12, 2020, 11:43 AM


AMC Solid Waste Department Seal 120 Shops of Murtimant Complex For Not Following COVID 19 Guidelines.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : અમદાવાદમાં સતત ધમધમતા રીલીફ રોડના ભરચક વિસ્તારમાં મોબાઇલ ફોન, મોબાઇલની તમામ પ્રકારની એસેસરીઝ અને ઇલેકટ્રોનીકસની અદ્યતન સાધન-સામગ્રીની મહત્વની ગણાતી મૂર્તિમંત માર્કેટની 120 જેટલી દુકાનોને મ્યુનિ. તંત્રએ ‘સીલ’ મારી દીધા છે. કોરોનાની ચાલી રહેલી મહામારીની ગાઇડ લાઇન્સનો ભંગ થતાં આ પગલું લેવાયુ છે, જેના પગલે વેપારીઓમાં ફફડાટની લાગણી પેદા થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે 11.30 વાગ્યાના સુમારે સોલીડવેસ્ટ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ આ માર્કેટના ચેકીંગ માટે પહોંચી ત્યારે ત્યાં ગ્રાહકોની ભીડ જામેલી હતી. કેટલાકે તો માસ્ક પણ નહોતા પહેર્યા. સોશ્યલ ડિસ્ટન્સિંગનું તો કોઇ ઠેકાણું જ નહોતું.

આટલી મોટી માર્કેટને સીલ કરવાનું એટલું સરળ દેખાતું ના હતું એટલે પહેલાં તો કર્મચારીઓએ ટ્રાફિક પોલીસ રાખે છે, તેવી વ્હીસલો વગાડવાનું ચાલુ કર્યું એટલે ગ્રાહકો ફટાફટ ત્યાંથી નીકળવા માંડયા. ત્યારબાદ વેપારીઓએ થોડો પ્રતિકાર પણ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ અધિકારીઓએ કડકાઇ વાપરીને એક પછી એક દુકાનના સટરો પડાવીને ઉપર આ મિલકત ‘સીલ’ કરી હોવાના કાગળો ચોંટાડવા માંડયા હતાં. થોડા સમયમાં જ માર્કેટ સૂમસામ થઇ ગયું હતું.

લાંબા સમય બાદ અનલોકમાં મોલ ખુલ્યા છે. તહેવારોનો માહોલ છે. મોલના વેપારીઓ અને શોરૂમવાળાઓએ ખરીદી પર 50 ટકા જેવા ડિસ્કાઉન્ટની જાહેરાતો કરેલી છે. આ સ્થિતિમાં લોકોની ભીડ જામવા માંડી છે, જે દરમ્યાન માસ્ક, ડિસ્ટંટ અને સેનેટાઇઝરનો ઉપયોગ ભૂલાઈ જાય છે.

જે આગળ જતાં બહુ ભારે પડી શકે તેમ છે. જેના કારણે મ્યુનિ. તંત્ર કડક થયું છે. બીજી તરફ લાંબા સમય બાદ વેપાર જીવંત બન્યો છે. થોડી ગરાગી નીકળી છે, ત્યારે જ મ્યુનિ.વાળા કેમ હેરાન કરવા નીકળે છે, તેવી લાગણી પણ વેપારીઓમાં જન્મી છે.

આ સંજોગોમાં વેપારીઓ પોતે પોતાના શોરૂમમાં થોડી કડકાઇ સાથે સાવચેતી જાળવે તો સ્થિતિ સમતોલ ચાલી શકે તેમ છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ પહેલાં આલ્ફા એવન મોલ, સેન્ટ્રલ મોલ, હિમાલયા મોલમાં મેકડોનાલ્ડ, સિંધુભવન રોડ પરના 3 જાણીતા રેસ્ટોરન્ટો પણ ‘સીલ’ કરાયેલાં છે.

Web Title: AMC Solid Waste Department Seal 120 Shops of Murtimant Complex For Not Following COVID 19 Guidelines