વાયબ્રન્ટ ગુજરાતની વાસ્તવિકતા, રાજ્યમાં દરરોજ 22 વ્યક્તિઓ કરે છે આત્મહત્યા…
gujarat-samachar-news
|
September 03, 2020, 2:45 PM

અમદાવાદ : વાયબ્રન્ટ ગુજરાતની દુનિયાભરમાં દુહાઇ આપવામાં આવે છે તે વાઇબ્રન્ટ ગુજરાતની વાસ્તવિકતા કંઇક જુદી જ છે. વાયબ્રન્ટ ગુજરાતમાં દરરોજ 22 વ્યક્તિઓ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના વર્ષ 2019ના અહેવાલ અનુસાર ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષમાં કુલ 7 હજાર 655 નાગરિકોએ વિવિધ કારણોસર આત્મહત્યા કરી છે. વાયબ્રન્ટ ગુજરાતમાં વિકાસના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે બેરોજગારી અને ગરીબીને કારણે ગુજરાતના નાગરિકો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે નોકરી-રોજગારી ન મળવાને કારણે કુલ 219 બેરોજગારોએ મોતને વ્હાલું કર્યું છે. તો 106 લોકોએ માત્ર ગરીબીને કારણે આત્મહત્યા કરી છે. ગુજરાતમાં એકલા અમદાવાદમાં જ કુલ 763 લોકોએ આત્મહત્યા કરી છે. જે પૈકી 539 પુરૂષો અને 224 મહિલાઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સત્તાવાર રીતે 4.5 લાખ શિક્ષિત બેરોજગારો સરકારી ચોપડે નોંધાયેલા છે.
નોકરી-રોજગારી ન મળવાને કારણે કુલ 219 બેરોજગારોએ મોતને વ્હાલું કર્યું
જ્યારે કે નોંધણી ન થઇ હોય તેવા શિક્ષિત બેરોજગારોની સંખ્યા 30 લાખથી વધુ છે. ગુજરાતમાં દેશ-વિદેશથી અબજો રૂપિયાનું રોકાણ આવી રહ્યું છે અને ઉદ્યોગો ધમધમતા હજારો લોકો માટે નોકરીની ઉજ્જવળ તક છે તેવા સરકાર દ્વારા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે. પરંતુ ગુજરાતના વિકાસનું વાસ્તવિક ચિત્ર બિલકુલ જુદુ અને ચિંતાજનક છે.
Web Title: In Vibrant Gujarat, 22 people make shocking suicides every day