વાયબ્રન્ટ ગુજરાત ટેસ્ટિંગમાં કેમ પાછળ ? માસ્કનો દંડ 5000 કરો: HC

gujarat-samachar-news
|

August 04, 2020, 10:34 PM


Why Vibrant Gujarat Far Behind In Corona Testing   Hike Mask Fine to Rs 5000 Rupani Govt on HC’s Radar.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે આજે કોરોનાને લઈ થયેલી જાહેર હિતની અરજી અંતર્ગત સુનાવણી કરતા મહત્વના આદેશો કર્યા છે. હાઈકોર્ટે કહ્યું કે કોરોનાની પરિસ્થિતિ હજુ સુધી અત્યંત ભયજનક અને ગંભીર છે. કોરોનાને ફેલાતો રોકવાનું કામ કોઈ એક માણસનું નહીં પણ સૌ કોઈની ફરજ છે.

હાઇકોર્ટે કહ્યું કે, કોરોના ટેસ્ટિંગની બાબતે ગુજરાત અન્ય રાજયો કરતા પાછળ કેમ? આ સાથે હાઇકોર્ટે સૂચન કર્યુ છે કે રાજ્ય સરકાર નિષ્ણાંતોની સલાહ પ્રમાણે ટેસ્ટીંગ વધારે.

મહત્વનું છે કે, AMA દ્વારા કરવામાં આવેલી અરજીમાં ગુજરાતમાં કોરોનાનું ટેસ્ટિંગ ઓછું થતું હોવાનો દાવો કરાયો હતો. આ સાથે સુરત શહેરમાં હાલમાં જે રીતે કોરોનાની સ્થિતી વકરી છે તેને જોતા કોર્ટે સરકારનો ઉધડો પણ લીધો છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અમને લાગે છે કે લોકોને 200 કે 500 રૂપિયાનો દંડ બહુ નડશે નહીં. સરકાર અને કોર્પોરેશને માસ્ક ન પહેરનારને પ્રથમવાર 1000 રૂપિયા, ત્યારબાદ 5000 સુધીનો દંડ કરવો જોઈએ. માસ્ક ન પહેરવાની ભૂલ પર દંડની રકમ વધવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, 28 જુલાઈએ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ રૂ.500નો દંડ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય 1 ઓગસ્ટથી લાગુ થઈ ચૂક્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રોજે રોજ 1100થી વધુ કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે મોતનો આંકડો પણ ડરામણો છે. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંકડો 64,684 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં 2509 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે એક્ટિવ કેસ 14,614 છે. દેશમાં કોરોના કેસ મામલે ગુજરાત 12માં સ્થાને છે. ગઇ કાલે રાજ્યંમાં 19,769 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી 1009 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જો દેશના અન્ય રાજ્યો સાથે ગુજરાતના એક્ટિવ કેસની સરખામણી કરવામાં આવે તો ગુજરાત આ મામલે 7માં ક્રમે છે.

કોરોના ટેસ્ટિંગ મુદ્દે AMAની હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં કોરોનાનું ટેસ્ટિંગ ઓછું થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે ટેસ્ટિંગમાં વાયબ્રન્ટ બ્રાન્દ ગુજરાત અન્ય રાજ્યો કરતા કેમ પાછળ છે ? સરકાર નિષ્ણાંતોની સલાહ પ્રમાણે ટેસ્ટિંગ વધારે. સાથે જ હાઇકોર્ટે સુરત શહેરમાં કોરોનાની સ્થિતિને લઇ સરકારનો ઉધડો લીધો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,34,108 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજસ્થાન હોસ્પિટલનો દંડ કેમ ન વસૂલાયો ?

રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીથી દર્દીના મોતના મામલે તંત્રની કામગીરીથી હાઇકોર્ટ અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે હાઈકોર્ટે સવાલ કર્યો કે, રૂ. 77 લાખનો દંડ કર્યો પણ આજ સુધી દંડની રકમની રિકવરી કેમ થઈ નથી? તેમજ કેમ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ? રાજ્ય સરકાર આ અત્યંત કમનસીબ ઘટનાને ગંભીરતાથી લઈને રિપોર્ટ આપે.

સુરતની પરિસ્થિતિ માટે તંત્રની ઉદાસીનતાને જવાબદાર ગણાવી

કોરોના વાઈરસ અંગેની સુઓમોટોમાં હાઇકોર્ટે સુરતની ખરાબથી પણ ખરાબ થઈ રહેલી પરિસ્થિતિ માટે તંત્રની ઉદાસીનતાને જવાબદાર ગણાવી છે. સુરત અને દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો માટે સરકાર શું કરી રહી છે તેનો વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

ગુજરાતમાં જ્યારે કોરોના કૂદકેને ભૂસકે આગળ વધી રહ્યો છે ત્યારે અમદાવાદની સ્થિતિ એંકદરે સુધારા તરફી છે તો પછી સુરત કે અન્ય ગુજરાતના હોટસ્પોટમાંથી સ્માર્ટ સિટી અમદાવાદમાં આવતી તમામ વ્યક્તિનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરો. શજ્ય હોય તો અમદાવાદની બોર્ડર સીલ જ રાખો કે જેથી અહી ફરી કોરોના ઉથલો ન મારે.

Web Title: Why Vibrant Gujarat Far Behind In Corona Testing  ? Hike Mask Fine to Rs 5000: Rupani Govt on HC’s Radar