સોનામાં ચાર માસનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો, જાણો કેટલું સસ્તુ થયું

commodity-news-india
|

August 14, 2020, 7:25 PM

| updated

August 14, 2020, 7:27 PM


Gold See biggest weekly decline in four months, Know how much cheap.jpg

www.vyaapaarsamachar.com

અમદાવાદઃ અમેરિકન અર્થતંત્રમાં રોજગારી અને ફુગાવાના આંકડા આર્થિક રીકવરીનો સંકેત આપી રહ્યા છે અને તેના કારણે વધી રહેલા બોન્ડ યીલ્ડથી આ સપ્તાહમાં સોનું ૩.૫ ટકા ઘટી ગયું છે જે છેલ્લા ચાર મહિનામાં ભાવમાં સૌથી મોટો ઘટાડો છે. આ સપ્તાહમાં અમેરિકાના બોન્ડના યીલ્ડ ૦.૫૬ ટકા સામે વધી ૦.૭૧ ટકા થઇ ગયા છે જે શૂન્ય વ્યાજનો દર લાંબો સમય નહી ચાલે એવો સંકેત આપી રહ્યા છે અને તેના કારણે સોનું ઘટી ગયું છે.  અમેરિકન બોન્ડના યીલ્ડ બે મહિનાની ઉંચી સપાટીએ છે.

જુલાઈ મહિનામાં અમેરિકાના રીટેલ સેલ્સના આંકડા ધારણા કરતા નબળા આવ્યા હતા. જૂન મહિનામાં પ્રાથમિક ૭.૫ ટકાની વૃદ્ધિ બાદ તેને સુધારી ૮.૪ ટકા કરવામાં આવી હતી તેની સામે જુલાઈમાં રીટેલ સેલ્સમાં ૧.૨ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. બજારની ધારણા ૧.૯ ટકાની વૃદ્ધિની હતી. જોકે, રીટેલ સેલ્સના આંકડા નબળા આવતા દેશને વધારાના ઇકોનોમિક સ્ટીમ્યુલસની જરૂર પડશે એમ કહી શકાય અને તેનાથી છેલ્લા એક સપ્તાહથી સતત વધી રહેલા બોન્ડના યીલ્ડ ઘટે તો સોનાના ભાવ વધવા જોઈએ પણ અત્યારે બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. વાહનો સિવાયની ચીજોનું વેચાણ ૧.૩ ટકાની અપેક્ષા સામે ૧.૯ ટકા વધ્યું હોવાના આંકડા આવ્યા હોવાથી બજારમાં સોનામાં વેચવાલી આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આજે સોનાનો ઓક્ટોબર વાયદો ૦.૭૦ ટકા કે ૧૩.૮૦ ડોલર ઘટી ૧૯૫૬.૬૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. સોનું ડિસેમ્બર વાયદો ૦.૬૪ ટકા કે ૧૨.૭૦ ડોલર ઘટી ૧૯૫૭.૭૦ અને હાજરમાં ૦.૨૭ ટકા કે ૫.૨૧ ડોલર ઘટી ૧૯૪૮.૫ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. સાપ્તાહિક ધોરણે સોનાના ભાવ ૩.૫ ટકા ઘટેલા છે. સોમવારે જોવા મળેલી વિક્રમી સપાટી ૨૦૮૯.૨૦ ડોલરથી સોનાના ભાવ ૬.૩૪ ટકા ઘટી ગયેલા છે.

ભારતમાં હાજરમાં સોનું વધ્યું હતું પણ વાયદામાં ઘટાડો જોવા મળ્યો હતો. હાજર બજારમાં આજે મુંબઈ સોનું રૂ.૩૩૫ વધી રૂ.૫૪,૮૦૫ અને અમદાવાદ ખાતે રૂ.૩૨૫ વધી રૂ.૫૪,૭૭૦ બંધ આવ્યા હતા. સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨૬૭૫ ખૂલી, ઊપરમાં રૂ. ૫૨૭૪૩ અને નીચામાં રૂ. ૫૨૧૬૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૯૧ ઘટીને રૂ. ૫૨૪૩૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૪૭ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૨૬૨૧ અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૦ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૩૩૨ થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૮૩ ઘટીને બંધમાં રૂ. ૫૨૬૬૫ ના ભાવ રહ્યા હતા.

Web Title: Gold See biggest weekly decline in our months, Know how much cheap