18 સરકારી બેંકોને એક વર્ષમાં 1.5 લાખ કરોડનો ચૂનો લાગ્યો

money-and-banking
|

July 24, 2020, 8:18 AM


Rs 1.48 Lakh Crores Fraud In 18 Government Banks In The Last Financial Year.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી : એનપીએનું ભારણ સહન કરી રહેલ ભારતીય સરકારી બેંકોને હવે બેંકિંગ ફ્રોડનું ભૂત પણ હેરાન-પરેશાન કરી રહ્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક આરટીઆઈનો જવાબ આપતા સ્વીકાર્યું હતું કે એક જ વર્ષમાં 18 સરકારી બેંકોને 1.5 લાખ કરોડનો ચુનો લાગ્યો હતો. નાણાકીય વર્ષ 2019-20માં 18 બેંકો સાથે છેતરપીંડીના કુલ 12,461 કેસ નોંધાયા હતા.

સૌથી વધુ છેતરપીંડી એસબીઆઈ સાથે થઈ હતી. આરબીઆઈએ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ માહિતી આપી હતી એ પ્રમાણે નાણાકીય વર્ષ 2019-20માં 18 બેંકોને 1.5 લાખ કરોડ રૂપિયાનો ચુનો લાગ્યો હતો. 

સૌથી વધુ 44,612 કરોડ રૂપિયાની છેતરપીંડી એસબીઆઈ સાથે થઈ હતી. એસબીઆઈ સાથે જ છેતરપીંડીના 6,964 કેસ નોંધાયા હતા. પંજાબ નેશનલ બેંકમાં છેતરપીંડીના 395 કેસ નોંધાયા હતા, જેમાં 15353 કરોડ રૂપિયાની છેતરપીંડી થઈ હતી.

એસબીઆઈ પછી પીએનબી છેતરપીંડીનો ભોગ બનનારી બીજા નંબરની બેંક હતી.ત્રીજા ક્રમે બેંક ઓફ બરોડા હતી. બેંક ઓફ બરોડા સાથે 12,586 કરોડ રૂપિયાની છેતરપીંડી થઈ હતી. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સાથે છેતરપીંડીના 424 કેસ આ નાણાકીય વર્ષમાં નોંધાયા હતા, જેનાથી બેંકને 9,316 કરોડ રૂપિયાનો ચુનો લાગ્યો હતો. 

 બેંક ઓફ ઈન્ડિયામાં 200 મામલા નોંધાયા હતા, જેમાં 8069 કરોડ રૂપિયાનો ચુનો લાગ્યો હતો. કેનરા બેંક સાથે 7,519 કરોડની છેતરપીંડી થઈ હતી. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સને 5340 કરોડ રૂપિયાનું નુકસાન છેતરપીંડીના કારણે થયું હતું. 

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને 3993 કરોડ, આંધ્રા બેંકને 3462 કરોડ અને બેંક ઓફ મહારાષ્ટ્રને 3391 કરોડનો ચુનો લાગ્યો હતો. યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંઘ બેંકને પણ છેતરપીંડીનો સામનો કરવો પડયો હતો. 

Web Title: RTI Revealed Rs 1.48 Lakh Crore Rupees Fraud In 18 Government Banks During Last One Year