સન ફાર્માએ ભારતમાં ફ્લુગાર્ડ (ફેવિપિરાવિર) લોંચ કરી, ટેબ્લેટદીઠ કિંમત રૂ. 35

સન ફાર્માસ્યુટિકલ લિમિટેડ એ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ ભારતમાં કોવિડ-19ના હળવાથી મધ્યમ કેસોની સારવાર કરવા માટે ટેબ્લેટદીઠ રૂ. 35ની વાજબી કિંમત ધરાવતી દવા ફ્લુગાર્ડ (ફેવિપિરાવિર 200 એમજી) લોંચ કરી છે. ફેવિપિરાવિર ભારતમાં કોવિડ-19ના હળવાથી મધ્યમ કેસોની સારવાર કરવા માન્યતા ધરાવતી એકમાત્ર ઓરલ એન્ટિ-વાયરલ ટ્રીટમેન્ટ છે.

આ લોંચ પર સન ફાર્માના ઇન્ડિયા બિઝનેસના સીઇઓ કિર્તી ગનોર્કરે કહ્યું હતું કે, ભારતમાં દરરોજ 50,000થી વધારે કોવિડ-19 કેસો આવતા હેલ્થકેર વ્યાવસાયિકોને સારવારના વધારે વિકલ્પો પ્રદાન કરવાની તાતી જરૂર છે. અમે વધુને વધુ દર્દીઓને દવા પૂરી પાડવા વાજબી કિંમતે ફ્લુગાર્ડ લોંચ કરી છે, જેથી તેમનું નાણાકીય ભારણ ઘટે. આ ભારતમાં રોગચાળાને જવાબ આપવા અમારા સતત પ્રયાસોને સુસંગત છે.

કંપની દેશભરમાં દર્દીઓને ફ્લુગાર્ડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સરકાર અને મેડિકલ સમુદાય સાથે કામ કરશે. ફ્લુગાર્ડનો સ્ટોક આ અઠવાડિયાથી બજારમાં ઉપલબ્ધ થશે.