વર્લ્ડ હિપેટાઇટિસ ડેઃ ભારતમાં હિપેટાઇટિસ C છૂપો રોગચાળો છે

દર વર્ષે 28 જુલાઈને હિપેટાઇટિસ, એના પ્રકારો અને નિવારણ માટેના પગલાં પર જાગૃતિ લાવવા માટે વર્લ્ડ હિપેટાઇટિસ ડે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે વર્લ્ડ હેપિટાઇટિસ ડેટની થીમ હિપેટાઇટિસ-ફ્રી ફ્યુચર છે, જેમાં માતાઓ અને નવજાત બાળકો વચ્ચે હિપેટાઇટિસ B (HBV) નિવારણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જોકે જ્યારે ભારતની વાત આવે છે, ત્યારે આપણે દાયકાઓથી હિપેટાઇટિસ Cનો સામનો કરી રહ્યાં છીએ.

હિપેટાઇટિસ વાયરસના મુખ્ય પાંચ પ્રકારો છે –  A, B, C, D અને E. દર વર્ષે હિપેટાઇટિસ B અને Cને કારણે સૌથી વધુ 1.4 મિલિયન લોકોના મૃત્યુ થાય છે. કોવિડ-19 રોગચાળા વચ્ચે વાયરલ હિપેટાઇટિસ દરરોજ હજારો લોકો માટે જીવલેણ બની રહ્યો છે. હિપેટાઇટિસ લિવર સાયરોસિસ અને લિવર કેન્સર સહિત સ્વાસ્થ્ય સાથે સંબંધિત ઘણી જટિલતાઓ માટે પણ જવાબદાર છે.

ભારતમાં હિપેટાઇટિસનાં દર્દીઓમાં સૌથી વધુ હિપેટાઇટિસ C જોવા મળે છે. અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોઇન્ટરોલોજીસ્ટ, હિપેટોલોજીસ્ટ એન્ડ એન્ડોસ્કોપિસ્ટ ડૉ. અપૂર્વ શાહ ના જણાવ્યા મુજબ, “હિપેટાઇટિસ B અને હિપેટાઇટિસ Cના વાયરસ લિવરમાં પ્રવેશ કરે છે અને જ્યાં સુધી યકૃતનાં મોટો હિસ્સાને નુકસાન ન થાય, ત્યાં સુધી લક્ષણો જોવા મળતાં નથી. હિપેટાઇટિસ Cનાં આશરે 80 ટકા દર્દીઓમાં લક્ષણો જોવા મળતાં નથી અને રોગનું નિદાન થાય ત્યાં સુધી તેમના શરીરમાં બિમારી ઘણી આગળ વધી જાય છે.”

છેલ્લાં થોડાં દાયકામાં ગુજરાતમાં હિપેટાઇટિસ B અને C પ્રવર્તે છે. વર્ષ 2009માં ગુજરાતમાં એક વિસ્તારમાં હિપેટાઇટિસ Bના કારણે આશરે 50 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે છેલ્લાં 3 વર્ષમાં હિપેટાઇટિસના કારણે કોઈ મૃત્યુ થયું નથી, ત્યારે હિપેટાઇટિસ સાથે સ્વાસ્થ્ય સંબંધિત જોખમ મૃત્યુ તરફ દોરી શકે છે. હિપેટાઇટિસ B અને C અનુક્રમે 18થી 66 વર્ષ તથા 30થી 65 વર્ષની વયજૂથના લોકોને અસર કરે છે.

ડૉ. શાહે ઉમેર્યું હતું કે, “હિપેટાઇટિસ Bનું માતામાંથી બાળકમાં સંક્રમણ સામાન્ય છે અને આ ગંભીર સમસ્યા છે, કારણ કે બાળકમાં લિવર સાયરોસિસ વિકસી શકે છે, જેનાથી લિવરને કાયમી નુકસાન થઈ શકે છે. એક પરિવારમાં હિપેટાઇટિસ Bનું એક બાળકમાંથી બીજા બાળકમાં સંક્રમણ થઈ શકે છે. જ્યારે હિપેટાઇટિસ Cની વાત આવે છે, ત્યારે ચેપી વ્યક્તિના લોહી કે શરીરના અન્ય પ્રવાહ સાથે સંપર્ક દ્વારા વાયરસનું સંક્રમણ થાય છે.”

હિપેટાઇટિસ B સામે રસી ઉપલબ્ધ હોવાથી તમામ નવજાત બાળકોને હિપેટાઇટિસ B સામે રસી આપવી જોઈએ તથા ગર્ભવતી મહિલાઓએ રોગ માટે ચકાસણી કરવી જોઈએ. હિપેટાઇટિસ C થી પોતાને  બચાવવા અંગત સ્વચ્છતા, સ્વચ્છ અને જીવાણુરહિત સોયનો વપરાશ તથા લોહી તથા શરીરના અન્ય પ્રવાહીઓનો સીધો સંસંર્ગ ટાળવાની સલાહ આપવામાં આવે છે. હિપેટાઇટિસ C ની સારવાર માટે નવી દવાઓ  ઉપલબ્ધ છે અને આ દવાઓ ત્રણ મહિના લેવામાં આવે તો HCV ની સારવાર માટે અસરકારક છે

જોકે હિપેટાઇટિસનું વહેલાસર નિદાન કરાવવા અને સારવાર માટે નિવારણની સાથે નિયમિત ચકાસણી અને લોહીનું પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવે છે.